ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે… દિલજીત દોસાંઝનું દર્દ છલકાયું | Diljit Dosanjh Emotional in Canada Artist Reacts to Khalistani Labels and Hate from Both Sides

Diljit Dosanjh: પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ હાલમાં તેની ‘ઓરા ટૂર’ માટે કેનેડામાં છે. જોકે, આ વખતે તેના ગીતો કરતાં વધુ ચર્ચા તેના મંચ પરથી અપાયેલા રાજકીય સંદેશની થઈ રહી છે. કેનેડાના એડમન્ટન શહેરમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન દિલજીત ભાવુક થઈ ગયો હતો અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, મને બધી બાજુથી ગાળો અને નફરત મળી રહી છે, જેના કારણે મને સમજ નથી પડતી કે હું ક્યાં જઉં.
‘ભારતમાં ખાલિસ્તાની કહે છે’ – દિલજીતનું દર્દ
એડમન્ટનમાં શો દરમિયાન જ્યારે એક બાળકે દિલજીતનો પ્રખ્યાત નારો ‘પંજાબી આ ગયે ઓયે’ લગાવ્યો, ત્યારે દિલજીત ભાવુક થઈ ગયા હતા. તેણે સ્ટેજ પરથી કહ્યું, ‘જ્યારે હું ભારત જઉં છું, ત્યારે ત્યાં મને ખાલિસ્તાની કહેવામાં આવે છે. જ્યારે હું અહીં (કેનેડા) આવું છું, ત્યારે લોકો મને બીજું કંઈક જ કહે છે. મને બંને બાજુથી નફરત મળે છે. મને સમજાતું નથી કે મારે ક્યાં જવું? હું તો બસ એ રસ્તા પર ચાલું છું જે સીધો પંજાબ અને સંગીત તરફ જાય છે.’
ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને આપ્યો જવાબ
નોંધનીય છે કે બે દિવસ પહેલા કેનેડાના કેલગરી શહેરમાં યોજાયેલા કોન્સર્ટમાં કેટલાક લોકોએ ખાલિસ્તાની ઝંડા લહેરાવીને શોમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે દિલજીતની નજર તે ઝંડાઓ પર પડી, ત્યારે તેણે શો અધવચ્ચે અટકાવી દીધો હતો અને સીધો જ જવાબ આપ્યો હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘કોઈ ગમે તેટલા ઝંડા લહેરાવે, પણ હું આખી દુનિયામાં પંજાબનું નામ રોશન કરવાનું બંધ નહીં કરું.’
બે જૂથો વચ્ચે ફસાયેલો દિલજીત દોસાંઝ
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ અત્યારે બે ભિન્ન અને વિરોધી વિચારધારા ધરાવતા જૂથોના નિશાના પર છે, જેના કારણે તે એક વિચિત્ર ધર્મસંકટનો સામનો કરી રહ્યો છે. ભારતમાં તેના વિરોધનું મુખ્ય કારણ ખેડૂત આંદોલન પ્રત્યેનું તેનું સમર્થન અને પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાની તેની વ્યાવસાયિક પસંદગી છે, જેને લીધે કેટલાક લોકો તેને ખાલિસ્તાની સમર્થક તરીકે જોતા થયા છે.
આ પણ વાંચો: અક્ષય કુમારે તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈનકાર
બીજી તરફ, વિદેશોમાં ખાસ કરીને કેનેડા અને બ્રિટનમાં સક્રિય અલગતાવાદી જૂથો પણ તેનાથી ભારે નારાજ છે. આ જૂથોની નારાજગીનું કારણ એ છે કે દિલજીતે ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ દરમિયાન બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના ચરણસ્પર્શ કર્યા હતા. આ અલગતાવાદીઓનું માનવું છે કે અમિતાભ બચ્ચન સાથે મંચ શેર કરવો કે તેનું સન્માન કરવું એ પંજાબની ભાવનાઓ અને હિતોની વિરુદ્ધ છે. આમ, દિલજીત અત્યારે બંને પક્ષેથી નફરત અને ટીકાઓનો સામનો કરી રહ્યો છે.




