મમતા – મોદી : બંગાળમાં જબરજસ્ત રસાકસી | Mamata Modi: Huge rivalry in Bengal

– આજે દેશના રાજકારણનું ભાવિ નક્કી થશે કોણ કેટલા પાણીમાં : પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ, પુડુચેરીમાં મતગણતરી
– મતદાન કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા, ક્યુઆર કોડ આધારીત ફોટો ઓળખકાર્ડથી જ પ્રવેશ : પ.બંગાળના 77 કેન્દ્રો પર બાજ નજર
– ગુજરાતની એક સહિત આઠ રાજ્યોની આઠ બેઠકો પર પેટા ચૂંટણીના પણ આજે પરિણામો જાહેર કરાશે
– બંગાળમાં ટીએમસી-ભાજપ, આસામમાં ભાજપ-કોંગ્રેસ, કેરળમાં ડાબેરીઓ સામે કોંગ્રેસ-ડાબેરીઓ જ્યારે તમિલનાડુમાં ડીએમકે-ટીવીકેની ટક્કર
નવી દિલ્હી/કોલકાતા: પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો ચાર તારીખે સોમવારે જાહેર કરવામાં આવશે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે, મમતા બેનરજીનો ગઢ બની ગયેલા પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તે ઇવીએમ ખુલ્યા બાદ જ સામે આવશે.
સોમવારે સવારથી એક સાથે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ અને પુડુચેરીની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. સત્તાધારી પક્ષો તૃણમુલ કોંગ્રેસ ટીએમસી, ડીએમકે અને ભાજપ, કોંગ્રેસ તેમજ ડાબેરીઓ દ્વારા હાઇપ્રોફાઇલ પ્રચાર કરવામાં આવ્યો હતો. મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા કરવામાં આવી છે. પ્રથમ વખત ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશ કરવા માટે ક્યુઆર કોડ ફોટો આધારીત ઓળખકાર્ડ સિસ્ટમનો અમલ કર્યો છે. તેથી મંજૂરી અપાઇ છે તે સિવાયના કોઇ પણ વ્યક્તિને કે નેતાને પ્રવેશ આપવામાં નહીં આવે.
પશ્ચિમ બંગાળ : ડાબેરીઓ બાદ મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસનું લાંબા સમયથી પશ્ચિમ બંગાળમાં શાસન રહ્યું છે, અહીંયા બે તબક્કામાં ૯૦ ટકાથી વધુ મતદાન થયું હતું, હવે સોમવારે આશરે ૨૯૩ વિધાનસભા બેઠકોનની મતગણતરી કરવામાં આવશે, જે માટે ૭૭ મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા રાખવામાં આવી છે. મમતા બેનરજી ચોથી વખત સત્તા જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ અહીંયા સત્તા મળવાની આશા જોઇ રહ્યું છે. ડાબેરીઓ, કોંગ્રેસ મૂળીયા મજબુત કરવા પ્રયાસ કરી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ પણ નસીબ અજમાવી રહ્યો છે. ચૂંટણી પંચે ૧૬૫ વધારાના મતગણતરી નિરીક્ષકો, ૭૭ પોલીસ નિરીક્ષકોની નિમણુક કરી છે.
આસામ : ભાજપની આગેવાનીમાં એનડીએ પૂર્વોત્તરના રાજ્ય આસામમાં બે ટર્મથી સત્તા પર છે અને ત્રીજી વખત ચૂંટણી જીતવાની આશા છે. ૧૨૬ બેઠકો ધરાવતા આ રાજ્યમાં ૩૫ જિલ્લાના ૪૦ જેટલા કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. આસામમાં ૯ એપ્રીલના રોજ મતદાન થયું હતું, જેની ટકાવારી ૮૫થી વધુ રહી હતી. મતગણતરીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કેન્દ્રીય દળોની ૨૫ કંપનીઓ એટલે કે આશરે ૨૫૦૦ જેટલા જવાનોની તૈનાતી કરાઇ છે. આસામમાં કુલ ૭૨૨ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપના ગઠબંધન એનડીએના ૯૯, કોંગ્રેસના ૯૯ અને સ્થાનિક પક્ષો એઆઇયુડીએફના ૩૦, બોડો પીપલ્સ ફ્રન્ટના ૧૧ વગેરેનો સમાવેશ થાય છે. હાઇપ્રોફાઇલ ઉમેદવારમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઇ, રાઇજોર દળના ચીફ અને સાંસદ અખિલ ગોગોઇનો સમાવેશ થાય છે.
કેરળ : ડાબેરીઓનો ગઢ ગણાતા કેરળમાં આ વખતે સત્તા પરિવર્તનની શક્યતાઓ છે, કોંગ્રેસની આગેવાનીમાં યુડીએફ કેરળમાં સત્તા મેળવી શકે છે અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એલડીએફના શાસનનો અંત આવી શકે છે કે જે બે ટર્મથી સત્તા પર છે. કેરળમાં ૧૪૦ બેઠકો પર કુલ ૮૮૩ ઉમેદવારો મેદાનમાં છે, ૪૩ સ્થળોએ ૧૪૦ કાઉન્ટિંગ કેન્દ્રો સ્થાપિત કરાયા છે જ્યાં સોમવારે મતગણતરી કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ મતગણતરી માટે ૧૫૬૪૬ કર્મચારીઓ તૈનાત કરાયા છે. કેન્દ્રીય દળોની ૨૫ કંપનીઓ તૈનાત કરાઇ છે.
તમિલનાડુ : સત્તાધારી ડીએમકે ફરી વખત સત્તા પ્રાપ્ત કરવા પ્રયાસો કરી રહ્યું છે. જેની ટક્કર અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના પક્ષ ટીવીકે સામે જોવા મળી રહી છે. આશરે ૬૨ કેન્દ્રો પર સોમવારે મતગણતરી શરૂ કરાશે, આ કેન્દ્રોની ત્રણ સ્તરની સુરક્ષા કરાઇ છે. આશરે ૧.૨૫ લાખ કર્મચારીઓ તૈનાત કરાયા છે. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને અભિનેતા વિજય કેટલું હંફાવશે તે સોમવારે ઇવીએમ ખુલ્યા બાદ સામે આવશે.
પુડુચેરી : કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં મતગણતરી માટે છ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીંયા એઆઇએનઆરસી, ભાજપ, એઆઇએડીએમકે, એલજેકેનું ગઠબંધન જ્યારે કોંગ્રેસ, ડીએમકે અને વીસીકેનું ઇન્ડિયા ગઠબંધન બન્ને વચ્ચે ટક્કર જોવા મળશે. આ સાથે જ આઠ રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામો પણ સોમવારે જાહેર થવાના છે. આ રાજ્યોમાં ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કુલ આઠ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું.
– બંગાળમાં મોદીશ્રી, જોય બાંગ્લા, લાલ સલામ મીઠાઇની બોલબાલા
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નેતાઓએ ભાષણો કરીને એકબીજા પર કડવા આરોપો લગાવ્યા હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થવા આવી છે ત્યારે વિશેષ મીઠાઇઓ ચર્ચામાં છે.
ભગવા રંગની મોદીશ્રી મીઠાઇ, જોય બાંગ્લા નામના રસગુલ્લાની માગ વધી ગઇ છે. ભાજપના કાર્યકર્તાઓ નેતાઓેએ વિશેષ મોદીશ્રી મીઠાઇ બનાવડાવી છે જ્યારે મમતા અને તૃણમુલ કોંગ્રેસના સમર્થકોએ જોય બાંગ્લા નામની મીઠાઇ તૈયાર કરાવી છે. તેવી જ રીતે ડાબેરી પક્ષોની ગુલાબના સ્વાદવાળી લાલ સલામ મીઠાઇ પણ ચર્ચામાં છે. કેટલીક મીઠાઇઓમાં પંજો અને કમળના નિશાન જોવા મળ્યા છે. કોલકાતામાં મીઠાઇની દુકાનો પર મોટા પ્રમાણમાં ઓર્ડરો મળી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં પણ માછલી, જાલ મુડી વગેરે ચર્ચામાં રહ્યા હતા.
– પરિણામ પૂર્વે જ મમતા-સુવેન્દુની બેઠક ભવાનીપુરમાં વિવાદ
કોલકાતા: બંગાળમાં મતગણતરી પૂર્વે હાઇપ્રોફાઇલ બેઠક ભવાનીપુરમાં વિવાદ સામે આવ્યો છે. ટીએમસી કાર્યકર્તાઓએ અહીંયા ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ઇવીએમ મશીન રાખવામાં આવ્યા છે ત્યાં ભાજપના ઝંડા લગાવેલી બે કાર ઘૂસી હતી અને સ્ટ્રોંગરૂમ પાસેથી પસાર થઇ હતી. ભવાનીપુરમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારી અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ટીએમસીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સ્ટ્રોંગરૂમમાં છેડછાડના આરોપો લગાવ્યા હતા. બીજી તરફ રાજ્યના લગભગ તમામ મતગણતરી કેન્દ્રોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે જ્યારે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ પણ નજર રાખી રહ્યા છે.

– ગુજરાતમાં મોદીની જેમ બંગાળમાં મમતા જનતાના હૃદયમાં બિરાજમાન
પાંચ રાજ્યોની ચૂંટણીનું સોમવારે પરિણામ આવવાનું છે. આ વખતની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભાજપ સત્તા પર આવશે તેમ અનેક એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા છે. જોકે, રાજકીય નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી તેઓ ગુજરાતીઓના હૃદયમાં બીરાજમાન છે. ગુજરાતીઓ વડાપ્રધાન મોદીનો પડયો બોલ ઝીલવા તૈયાર રહે છે. આ જ કારણથી તેમના એક સંકેતથી ગુજરાતમાં આખું મંત્રીમંડળ રાજીનામું આપી દે છે અને રાતોરાત નવી સરકારની રચના થઈ શકે છે અને જનતા પણ હોંશેહોંશે નવી સરકારને સ્વીકારી પણ લે છે. આવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની છે. મમતા બેનરજીએ ડાબેરી સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ માટે નંદીગ્રામ અને સિંઘૂરમાં ખેડૂતોની જમીનના સંપાદનના વિરોધમાં ‘મા, માટી અને માનુષ’નો નારો આપ્યો અને બંગાળીઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. આ જ કારણથી ૨૦૧૧માં તૃણમૂલ કોંગ્રેસ સત્તા પર આવ્યા પછી તેને કોઈ હટાવી શક્યું નથી. આ વખતની ચૂંટણી જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું, સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળથી લઈને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આમ છતાં જનતાના હૃદયમાં બિરાજમાન મમતા દીદીને હટાવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. કેટલાક રાજકીય પંડિતોએ તો એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે એક્ઝિટ પોલ મુજબ ભાજપ કદાચ પશ્ચિમ બંગાળમાં જીતી જાય તો પણ બંગાળીઓ ભાજપના શાસનને કેટલી મદદ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.



