તમિલનાડુમાં ચૂંટણી પરિણામ પહેલા જ ‘રિસોર્ટ પોલિટિક્સ’! ત્રિશંકુ વિધાનસભાની આશંકાના કારણે TVK ઍલર્ટ | tamil nadu election results vijay tvk party resort politics mahabalipuram

![]()
Vijay TVK resort politics Tamil Nadu: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ જનાદેશની શક્યતાઓને જોતા સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રિ કઝગમ (TVK) એક્શન મોડમાં આવી ગઈ છે. 4 મે ના રોજ જાહેર થનારા પરિણામો પૂર્વે વિજયે પોતાના સંભવિત વિજેતા ધારાસભ્યોને તોડજોડની રાજનીતિથી બચાવવા માટે અત્યારથી જ રિસોર્ટ બુક કરી લીધો છે.
મહાબલીપુરમમાં કિલ્લેબંધી
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાબલીપુરમ પાસે આવેલા પૂંજેરીમાં એક ખાનગી રિસોર્ટમાં વિજેતા ઉમેદવારોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રિસોર્ટમાં 100 થી વધુ લોકો રહી શકે તેવી ક્ષમતા છે અને પરિણામ જાહેર થતાની સાથે જ ટીવીકેના વિજેતા ઉમેદવારોને ત્યાં ખસેડવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
વિજયની એજન્ટો અને ઉમેદવારોને કડક સૂચના
એક્ઝિટ પોલ બાદ યોજાયેલી બેઠકમાં વિજયે મજાકિયા અંદાજમાં પણ ગંભીરતા સાથે ઉમેદવારોને સૂચના આપી છે કે જીત્યા પછી ક્યાંય જતા નહીં. તમામ વિજેતા ઉમેદવારોને જીત બાદ તાત્કાલિક પનૈયુર સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પહોંચવા આદેશ અપાયો છે. ગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાનૂની ટીમ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, પાર્ટીના મહાસચિવ આધવ અર્જુનાએ ચૂંટણી પંચ પાસે વધારાની સુરક્ષાની માંગ પણ કરી છે.
રાજકીય સ્થિતિ અત્યંત નાજુક
તમિલનાડુમાં આ વખતે એક્ઝિટ પોલ મિશ્ર સંકેતો આપી રહ્યા છે. કેટલાક પોલમાં ડીએમકે ગઠબંધન, તો કેટલાકમાં એઆઈએડીએમકે ગઠબંધન આગળ દેખાઈ રહ્યું છે, જ્યારે અનેક પોલ વિજયની પાર્ટી TVK ના મજબૂત પદાર્પણની આગાહી પણ કરી રહ્યા છે. બીજી તરફ, સત્તાધારી ડીએમકેએ ફરી સત્તામાં આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સંજોગોમાં તમિલનાડુમાં પરિણામો બાદ વિજય કિંગમેકરની ભુમિકામાં જોવા મળી શકે છે. જેની શક્યતાને ધ્યાને રાખીને રિસોર્ટ પોલિટિક્સ ફરી એકવાર મુખ્ય રણનીતિ બનીને ઉભરે તેવી પૂરેપૂરી શક્યતા છે.



