બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | west bengal Elections south 24 parganas tmc bjp supporters clash repolling at 15 booths

![]()
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 વચ્ચે દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્ટા વિસ્તારમાંથી તણાવના સમાચાર સામે આવ્યા છે. અહીં સ્થાનિક લોકો અને સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર દલીલો થઈ, જેમાં લોકોએ TMC નેતાઓ પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના દરમિયાન લોકો અને સુરક્ષા દળો વચ્ચે લાંબા સમય સુધી દલીલો ચાલતી રહી. જો કે સ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વિસ્તારમાં તણાવ યથાવત રહ્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો માટે મતદાન 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં સંપન્ન થયું છે. હવે આ ચૂંટણીઓની મતગણતરી 4 મેના રોજ થવાની છે.
દક્ષિણ 24 પરગણા જિલ્લામાં થઈ રહ્યું છે પુનઃમતદાન
આજે શનિવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની બે વિધાનસભા બેઠકોના 15 કેન્દ્રો પર પુનઃમતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મગરાહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના 11 અને ડાયમંડ હાર્બરના ચાર મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણીમાં ગેરરીતિની માહિતી મળતા ચૂંટણી પંચે એક દિવસ પહેલા આ બેઠકો પર પુનઃમતદાનનો આદેશ આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધી પ્રક્રિયા ચાલુ રહેશે.
TMC સમર્થકો અમને ધમકાવી રહ્યા છે: સ્થાનિકો
દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફાલ્તામાં શનિવારે ત્યારે તણાવ ફેલાઈ ગયો, જ્યારે સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે આરોપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકરો તેમને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ફાલ્તામાં ફરીથી મતદાન કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે TMC સમર્થકો તેમને ધમકાવી રહ્યા છે. તેમણે સમગ્ર વિસ્તારમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની તૈનાતીની પણ માંગ કરી જેથી સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
TMC નેતાઓએ ઘર સળગાવી દેવાની આપી ધમકી
સ્થિતિને જોતા પ્રશાસને વિસ્તારમાં ભારે સુરક્ષા દળ તૈનાત કર્યું છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનો મહત્વના સ્થળો પર તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે CRPFનું એક બખ્તરબંધ વાહન પણ લગાવવામાં આવ્યું છે. વિરોધ કરી રહેલા સ્થાનિક લોકોમાં ઘણી મહિલાઓ પણ સામેલ છે. તેમણે પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને કથિત રીતે ધમકી આપનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. એક મહિલાએ જણાવ્યું કે TMCના એક સ્થાનિક નેતાએ તેમને ધમકી આપી છે કે જો તેમના સમર્થકો જીતશે તો તેમના ઘર સળગાવી દેવામાં આવશે અને હિંસા કરવામાં આવશે.
હિંસા કે અશાંતિની કોઈ ઘટના સામે આવી નથી
ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે બંને વિધાનસભા મતવિસ્તારોમાં હિંસા કે અશાંતિની કોઈ ઘટના સામે આવી નથી. બંને મતવિસ્તારોમાં કેન્દ્રીય દળો પૂરતી સંખ્યામાં તૈનાત છે. વેબકાસ્ટિંગ પણ ચાલુ છે અને અમે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છીએ.’ આ બંને વિધાનસભા બેઠકો પર 29 એપ્રિલે મતદાન થયું હતું.
આ પણ વાંચો: તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
મગરાહાટ પશ્ચિમ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના મોહમ્મદ શમીમ અહેમદ મોલ્લાનો મુકાબલો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર ગૌર સુંદર ઘોષ સામે છે, જ્યારે કોંગ્રેસના અબ્દુલ મજીદ હલદર અને ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) ના અબ્દુલ અઝીઝ અલ હસન પણ મેદાનમાં છે. ડાયમંડ હાર્બર બેઠક પર તૃણમૂલના પન્ના લાલ હલદર, ભાજપના દીપક કુમાર હલદરને પડકાર આપી રહ્યા છે. કોંગ્રેસના ગૌતમ ભટ્ટાચાર્ય અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ)ના સમર નાઈયા સહિત અન્ય ઘણા ઉમેદવારો પણ આ બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.



