राष्ट्रीय

VIDEO: AAPના બળવાખોર સાંસદ સંદીપ પાઠક ધરપકડથી બચવા પાછલા બારણેથી રવાના! | Punjab Police FIR Against MP Sandeep Pathak Arrest Raid at Delhi Residence as Video Goes Viral


Punjab Police FIR Against MP Sandeep Pathak: આમ આદમી પાર્ટી(AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી(BJP)માં સામેલ થયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પંજાબ પોલીસે સંદીપ પાઠક વિરુદ્ધ બિન-જામીનપાત્ર કલમો હેઠળ બે અલગ-અલગ FIR(પ્રાથમિકી) દાખલ કરી છે. જોકે, આ કેસ કયા વિષય પર છે તેની સંપૂર્ણ વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

ધરપકડથી બચવા પાછલા દરવાજેથી ભાગ્યા સાંસદ? વીડિયો વાઇરલ

આ ઘટનાક્રમ વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પંજાબ પોલીસની એક ટીમ સંદીપ પાઠકની ધરપકડ કરવા માટે દિલ્હીમાં આવેલા તેમના સરકારી નિવાસસ્થાને પહોંચી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસથી બચવા માટે સંદીપ પાઠક તેમના નિવાસસ્થાનના પાછલા દરવાજેથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોએ રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે.

‘હું ડરવાનો નથી, દેશ સેવા સૌથી ઉપર’ : સંદીપ પાઠક

પોતાના પર થયેલી કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, તેમને આવી કોઈ FIR અંગેની સત્તાવાર જાણકારી મળી નથી અને કોઈ પોલીસ અધિકારીએ તેમનો સંપર્ક પણ કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘મેં મારું આખું જીવન ઈમાનદારી અને નિષ્ઠા સાથે દેશની સેવા કરી છે. દેશ કોઈપણ પક્ષ કરતા મોટો છે. હું ક્યારેય દેશ સાથે ગદારી નહીં કરું. જો મારા જેવા વ્યક્તિ સામે આવી કાર્યવાહી કરવામાં આવતી હોય, તો તે સાબિત કરે છે કે સામેવાળા કેટલા ડરેલા છે.’

આ પણ વાંચો: તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!

AAPના 10માંથી 7 સાંસદો હવે ભાજપના શરણે

ઉલ્લેખનીય છે કે, સંદીપ પાઠક એ સાત રાજ્યસભા સભ્યોમાંના એક છે જેમણે તાજેતરમાં જ AAP સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. ગત 24 એપ્રિલના રોજ સંદીપ પાઠક સહિત રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ, હરભજન સિંહ, રાજીન્દર ગુપ્તા, વિક્રમજીત સાહની અને સ્વાતિ માલીવાલે પાર્ટી છોડી હતી. આ સાંસદોનો આરોપ હતો કે અરવિંદ કેજરીવાલની પાર્ટી પોતાના મૂળ આદર્શો અને મૂલ્યોથી ભટકી ગઈ છે.

રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ આ સાંસદોના ભાજપમાં જોડાવાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેના કારણે હવે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના માત્ર ત્રણ જ સભ્યો બાકી રહ્યા છે. પંજાબ પોલીસની આ કાર્યવાહી હવે એક મોટો રાજકીય વિવાદ ઊભો કરી શકે છે.


VIDEO: AAPના બળવાખોર સાંસદ સંદીપ પાઠક ધરપકડથી બચવા પાછલા બારણેથી રવાના! 2 - image



Source link

Related Articles

Back to top button