राष्ट्रीय

મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો | Supreme Court Rejects TMC Plea on Counting Staff



West Bengal election results 2026 | પશ્ચિમ બંગાળમાં આગમી ચોથી મેના રોજ વિધાનસભા ચૂંટણીની મતગણતરી થવાની છે. જે પહેલા સરકારી કર્મચારીઓને સુપરવાઈઝર તરીકે નિયુક્ત કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામે TMCએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુપ્રીમ કોર્ટે શનિવારે સુનાવણી પૂર્ણ કરી છે અને આ મામલે કોઈ પણ પ્રકારનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું- કોઈ આદેશની જરૂર નથી

જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની સ્પેશિયલ બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. અદાલતે ચૂંટણી પંચની એ રજૂઆતને રેકોર્ડ પર લીધી હતી જેમાં પંચે ખાતરી આપી છે કે મતગણતરી સ્ટાફની નિમણૂક અંગેના પરિપત્રનું સંપૂર્ણ અક્ષરશઃ પાલન કરવામાં આવશે. આ ખાતરી બાદ કોર્ટે કહ્યું કે હવે કોઈ નવો આદેશ આપવાની જરૂર નથી.

સરકારી કર્મચારીઓ તો તેમની ફરજ બજાવે છે: સુપ્રીમ કોર્ટ

TMC વતી વકીલ કપિલ સિબલે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ પારદર્શિતા જાળવી રહ્યું નથી અને રાજ્ય સરકારના કર્મચારીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી કર્મચારીઓ કોઈ પક્ષ પ્રત્યે વફાદારી ધરાવે છે તેવું માની શકાય નહીં, તેઓ માત્ર તેમની ફરજ બજાવે છે. 

TMC વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે, “ચૂંટણી પંચના આ નિર્ણયથી ચૂંટણીની નિષ્પક્ષતા પ્રભાવિત થશે. પંચે અચાનક જ ગેરરીતિની આશંકા વ્યક્ત કરીને રાજ્યના કર્મચારીઓને બદલે કેન્દ્રીય કર્મચારીઓને પ્રાધાન્ય આપ્યું છે, જે અગાઉ ક્યારેય બન્યું નથી.”

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જો તમામ ગણતરી સુપરવાઈઝર કેન્દ્રીય કર્મચારીઓ હોય તો પણ તેને ખોટું કહી શકાય નહીં, કારણ કે નિયમો મુજબ ચૂંટણી પંચ રાજ્ય અથવા કેન્દ્ર બંનેમાંથી કોઈ પણ પૂલમાંથી સ્ટાફની પસંદગી કરી શકે છે.

અમે તમામ નિયમોનું પાલન કર્યું છે: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ સંતુલન જાળવવા માટે નિયમોનું યોગ્ય પાલન કરી રહ્યા છે. જ્યાં કાઉન્ટિંગ સુપરવાઈઝર કેન્દ્ર સરકારના હોય છે, ત્યાં કાઉન્ટિંગ એજન્ટ રાજ્ય સરકારના હોય છે, જેથી કોઈ ગેરરીતિની શક્યતા રહેતી નથી. અદાલતે નોંધ્યું કે મતગણતરી વખતે દરેક ટેબલ પર ત્રણ કર્મચારીઓ અને રાજકીય પક્ષોના એજન્ટો હાજર રહેશે, તેથી નિષ્પક્ષતા અંગે શંકા કરવાનું કોઈ કારણ નથી.

મમતા બેનર્જીએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે બહારના નિરીક્ષકો અને રાજ્યની સ્થિતિથી અજાણ પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને TMCને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 



Source link

Related Articles

Back to top button