ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercury crosses 43 degrees in West Bengal

![]()
– પ. બંગાળનાં પાનાગઢમાં 43.8 ડિગ્રી સે. તાપમાન
– હિમાચલમાં 25 થી 28 એપ્રિલ સુધી અનેક જગ્યાઓએ ઝડપી પવન સાથે તોફાન તથા વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી યલો વોર્નિંગ જારી
નવી દિલ્હી : બુધવારે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ બંગાળનાં અનેક વિસ્તારોમાં પારો ૪૨ ડિગ્રી સેલ્સિયસને પાર થઇ ગયો હતો. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આગામી ચારથી પાંચ દિવસ ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતનાં મોટા ભાગોમાં હીટવેવની શક્યતા દર્શાવી છે.
આઇએમડીનાં જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીનાં કેટલાક ભાગોમાં ૨૪-૨૫ એપ્રિલે હિટવેવ ચાલી શકે છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશ (૨૩-૨૬ એપ્રિલ), રાજસ્થાન (૨૪-૨૬ એપ્રિલ), મધ્ય પ્રદેશ (૨૩-૨૬ એપ્રિલ), વિદર્ભ અને છત્તીસગઢ (૨૪-૨૭ એપ્રિલ)માં હિટવેવની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડનાં કેટલાક ભાગોમાં ૨૨ થી ૨૩ એપ્રિલ આવી જ સ્થિતિ બની રહેવાની શક્યતા છે. હીટવેવની જાહેરાત એ વખતે કરવામાં આવે છે જ્યારે મહત્તમ તાપમાન સામાન્યથી ૪.૫ અથવા ૬.૪ ડિગ્રી વધારે હોય.દિલ્હીમાં બુધવારે ભીષણ ગરમી પડી હતી. દિલ્હીનાં રિજ વિસ્તારમાં મહત્તમ તાપુમાન ૪૨.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સામાન્યથી ૩ ડિગ્રી વધારે હતું.
જ્યારે શહેરનાં મુખ્ય કેન્દ્ર સફદરગંજમાં મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જે સામાન્યથી ૩ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. રાજધાનીમાં હજુ પણ સ્થિતિ ખરાબ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ૨૪ એપ્રિલે દિલ્હીમાં હીટવેવની શક્યતા છે. રાજસ્થાનમાં મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પિલાની, ચિત્તોડગઢ, ચુરુ ,કોટા સહિત અનેક સ્થળોએ તાપમાન ૪૨ ડિગ્રીથી વધુ રહ્યું હતું.હિમાચલ પ્રદેશમાં શિમલા સ્થિત હવામાન વિભાગે ૨૫થી ૨૮ એપ્રિલ સુધી અનેક જગ્યાઓએ ઝડપી પવન સાથે તોફાન તથા વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી યલો વોર્નિંગ જારી કરવામાં આવી છે.


