VIDEO : ગ્લેમરની દુનિયા અને ગૃહસ્થ જીવનનો ત્યાગ… મહાકુંભ વાયરલ ગર્લ બની સંન્યાસી | Model Harsha Richhariya Embraces Sanyas: Viral Mahakumbh Girl Now Swami Harshanand Giri

![]()
Harsha Richhariya : સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, કન્ટેન્ટ ક્રિએટર અને મોડલ હર્ષા રિછારિયાએ આજે (19 એપ્રિલ) ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો છે. ઉજ્જૈનમાં હર્ષાએ વિધિવત રીતે પોતાનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ સંસ્કાર પૂર્ણ કર્યા છે. સંન્યાસ લીધા બાદ તેમનું નવું નામ સ્વામી હર્ષાનંદ ગિરી રાખવામાં આવ્યું છે.
આજથી જીવનનો નવો અધ્યાય શરૂ : હર્ષાનંદ ગિરી
હર્ષાએ ઉજ્જૈનના મૌની તીર્થ આશ્રમમાં પંચાયતી નિરંજની અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી સુમનાનંદ ગિરી મહારાજના સાનિધ્યમાં સંન્યાસ ગ્રહણ કર્યો છે. સંન્યાસની પરંપરા મુજબ તેમની શિખા અને દંડ ત્યાગની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષાએ જણાવ્યું કે, આજથી તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે અને તેમણે ગુરુદેવના માર્ગદર્શન હેઠળ સંન્યાસનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે પોતાનું બાકીનું જીવન સનાતન ધર્મ અને સમાજ સેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ લીધો છે.
હર્ષાનો પરિવાર મૂળ યુપીનો
હર્ષા રિછારિયાનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીનો વતની છે, પરંતુ હાલમાં તેઓ ભોપાલમાં રહે છે. તેમના પિતા દિનેશ બસ કંડક્ટર તરીકે ફરજ બજાવે છે અને માતા કિરણ રિછારિયા બુટિક ચલાવે છે. પરિવારમાં તેમનો એક ભાઈ કપિલ પણ છે જે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે. ગ્લેમર જગતની જાણીતી વ્યક્તિ હોવા છતાં આધ્યાત્મિકતા તરફનો તેમનો આ ઝુકાવ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ



