राष्ट्रीय

શેતાન, અહંકાર, ભયંકર અને મક્ખી… વિદ્યાર્થીઓના નામ બદલવાના રાજસ્થાનના ‘સાર્થક નામ અભિયાન’ પર રોક | Rajasthan Sarthak Naam Abhiyan row Name list withdrawn



Rajasthan Sarthak Naam Abhiyan Row: રાજસ્થાનના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘સાર્થક નામ અભિયાન’ ભારે વિરોધ બાદ આખરે સરકારે પાછું ખેંચી લીધું છે. આ અભિયાનનો હેતુ એવા વિદ્યાર્થીઓના નામ બદલવાનો હતો, જેમના નામ અપમાનજનક કે વિચિત્ર હોય. જો કે, સરકારે આપેલા નવા નામોની યાદીના કારણે સોશિયલ મીડિયા અને શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો હતો.  

શું હતું આ ‘સાર્થક નામ અભિયાન’

જો કે, આ રાજસ્થાન સરકારનો ‘યુ-ટર્ન’: વિદ્યાર્થીઓના નામ બદલવાનું ‘સાર્થક નામ અભિયાન’ વિવાદો બાદ મોકૂફ

રાજસ્થાનમાં અનેક પરિવારોએ તેમના સંતાનોના નામ વિચિત્ર પાડ્યા છે. આ નામના કારણે અનેક વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજ કે અન્ય સ્થળોએ મજાકનું કારણ બને છે. જેમ કે, રાજસ્થાનમાં અનેક માતા-પિતાએ તેમના છોકરાના નામ અહંકાર, ભયંકર, શેતાન, બેચારાદાસ, માખણ કે ઉગ્ર સિંહ રાખ્યા છે, તો અનેક છોકરીઓના નામ પણ ભયંકર, ભિક્ષા, લજ્જા, રજનીગંધા કે મક્ખી છે. 

આ વાતને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના શિક્ષણ વિભાગે ‘સાર્થક નામ અભિયાન’ શરૂ કર્યું હતું, જે ભારે વિવાદ અને ટીકા બાદ આખરે સરકારે પાછું ખેંચી લીધું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એવા હજારો વિદ્યાર્થીઓને નવી ઓળખ આપવાનો હતો, જેમના નામ હાસ્યાસ્પદ હતા, પરંતુ સરકારે સૂચવેલા નવા નામોની યાદીમાં જ અનેક વિસંગતતા જોવા મળતા હોબાળો મચ્યો હતો.

આ પણ વાંચો: ‘સ્વદેશી’ના નારા વચ્ચે ભારત-ચીનનો વેપાર વધ્યો, વર્ષ 2026માં ચીન ભારતનું નં. 1 ટ્રેડિંગ પાર્ટનર બન્યું

આ પ્રકારના નામ આપવાના કારણ 

રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા કે પરંપરા છે કે, બાળકને ‘ખરાબ’ નામ આપવાથી તે બીમારીઓ અને બૂરી નજરથી બચી જાય છે. આ કારણે ઘણી સ્કૂલના રજિસ્ટરમાં બાળકોના નામ ‘શેતાન’, ‘ગધે પ્રસાદ’, ‘પપ્પુ’, ‘શેરુ’ કે ‘બેચારા’ જેવા નોંધાયેલા છે. આ અંગે રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે જણાવ્યું હતું કે, આ પ્રકારના નામ બાળકોમાં નાનપણથી જ અનેક મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ સર્જી છે. જેમ કે, બાળકો લઘુતાગ્રંથિ અનુભવે છે અને તેમનો આત્મવિશ્વાસ ડગે છે, તેથી તેમને સન્માનજનક નામ મળવું જોઈએ.

‘અહંકાર’થી ‘ભયંકર’, યાદીમાં ફરી ગંભીર ભૂલો

આ વિવાદ વકર્યો ત્યારે રાજસ્થાન શિક્ષણ વિભાગે 2,900થી વધુ ‘સાર્થક’ નામોની એક યાદી જાહેર કરી. આ યાદીમાં બાળકોને જે નામ આપવાનું સૂચન હતું, તે જૂના નામ જેવા જ હતા. જેમ કે, આ યાદીમાં પણ અહંકાર અને ઉગ્ર સિંહ જેવા નામ હતા, તો છોકરીઓ માટે પણ ભિક્ષા અને મક્ખી જેવા નામ સામેલ કરાયા હતા. આશ્ચર્યજનક બાબત એ હતી કે ‘ચાણક્ય’ અને ‘વાલ્મીકિ’ જેવા પુરૂષવાચક નામ છોકરીઓની યાદીમાં હતા, તો ‘ગંગોત્રી’ તથા ‘ગોદાવરી’ જેવા સ્ત્રીવાચક નામ છોકરાઓની યાદીમાં હતા.

વિરોધ અને શૈક્ષણિક જગતની પ્રતિક્રિયા

આ અભિયાન સામે વાલીઓ અને શિક્ષણવિદોએ સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે નામ બદલવાની પ્રક્રિયાથી દસ્તાવેજોમાં (જેમ કે, આધાર કાર્ડ કે જન્મનું પ્રમાણપત્ર) મોટી ગૂંચવણો ઊભી થઈ શકે છે. સામાજિક કાર્યકરોએ દલીલ કરી હતી કે સરકાર બાળકોના નામ બદલવાને બદલે સ્કૂલોની સુવિધા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપે તો વધુ સારું રહેશે. વિપક્ષે તેને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ ગણાવી હતી.

આ પણ વાંચો: ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવશે

ભારે વિરોધ પછી રાજસ્થાન સરકારની પીછેહઠ

આ મુદ્દે ચારે બાજુથી ભારે ટીકા થતા અને વાલીઓનું પણ સમર્થન ના મળતા રાજસ્થાન શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી આ આદેશ પાછો ખેંચી લીધો છે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ યાદી માત્ર એક સૂચન હતું અને તે ફરજિયાત નહોતું. જો કે, વહીવટી સ્તરે થયેલી આ ક્ષતિઓને કારણે હાલ પૂરતું આ અભિયાન અટકાવી દેવાયું છે.

નોંધનીય છે કે, બાળકોને ‘શેતાન’ કે ‘શેરુ’ જેવા નામમાંથઈ મુક્તિ અપાવવાનો વિચાર ઉમદા હતો, પરંતુ ‘ભયંકર’ અને ‘અહંકાર’ જેવા વિકલ્પો ત્યાંના ત્યાં રહેતા આ ઉમદા હેતુ પર પાણી ફરી ગયું. હાલ રાજસ્થાન સરકારે આ વિવાદિત યાદીને સુધારવાની ખાતરી આપી છે.



Source link

Related Articles

Back to top button