અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાની તપાસની માંગ | nashik samruddhi highway accident dr jitendra shelke death shivnika trust controversy

![]()
Dr. Jitendra Shelke Death Nashik: મહારાષ્ટ્રના સમૃદ્ધિ હાઈવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં શિવનિકા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ડૉ. જિતેન્દ્ર શેલકેનું કરુણ મોત નીપજ્યું છે. ડૉ. શેલકે વિવાદિત અશોક ખરાતના અત્યંત નજીકના માનવામાં આવતા હતા. આ ઘટના બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને શિવસેનાએ (UBT) મોત પાછળ કોઈ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પ્રાપ્ત વિગતો અનુસાર, ડૉ. જિતેન્દ્ર શેલકે પોતાની કારમાં પરિવાર સાથે સંભાજીનગર તરફ જઈ રહ્યા હતા. બપોરે 12:30 થી 1 વાગ્યાની આસપાસ સમૃદ્ધિ હાઈવે પર રસ્તા કિનારે ઉભેલા એક ટ્રેલરની પાછળ તેમની કાર જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ ટ્રેલરમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ડૉ. શેલકેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોણ હતા ડૉ. જિતેન્દ્ર શેલકે?
ડૉ. શેલકે શિવનિકા ટ્રસ્ટમાં મહત્વનું પદ ધરાવતા હતા. તેઓ લાંબા સમયથી અશોક ખરાત સાથે જોડાયેલા હતા અને ટ્રસ્ટના જમીન સોદા સહિતના અનેક મહત્વના નિર્ણયોમાં તેમની મુખ્ય ભૂમિકા રહેતી હતી. તાજેતરમાં જ્યારે અશોક ખરાત સાથે જોડાયેલા વિવાદો સામે આવ્યા, ત્યારે આખું ટ્રસ્ટ પોલીસની નજરમાં હતું. જોકે, અત્યાર સુધી ડૉ. શેલકેની કોઈ પૂછપરછ કરવામાં આવી નહોતી.
શિવસેનાએ વ્યક્ત કરી આશંકા
આ અકસ્માત બાદ શિવસેના (UBT) નેતા સુષમા અંધારેએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટના પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, ડૉ. જિતેન્દ્ર શેલકેના મોત સમાચાર ચોંકાવનારા છે. અગાઉ પણ અનેક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે અશોક ખરાત અથવા તેમના નજીકના લોકોના જીવને જોખમ છે. હવે આ અકસ્માત થવો તે જૂની આશંકાઓને સાચી સાબિત કરી રહી હોય તેવું લાગે છે. આ ઘટના બાદ હવે ખરાતની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે. પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શું આ માત્ર એક અકસ્માત હતો કે તેની પાછળ કોઈ મોટું કારણ છે, તે દિશામાં પણ તપાસ થવી જરૂરી બની છે.



