મની લોન્ડરિંગ કેસમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરને મોટો ઝટકો, જેકલીન ફર્નાન્ડીઝ બનશે સરકારી સાક્ષી! | jacqueline fernandez approver plea sukesh case

Sukesh Chandrashekhar Case: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કથિત મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીને શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ‘સરકારી સાક્ષી'(એપ્રુવર) બનવા માટે અરજી કરી છે. આ મામલે એડિશનલ સેશન જજ પ્રશાંત શર્માએ પ્રોસિક્યુશનને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે અને હવે આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
EDએ જેકલીનને બનાવી સહ-આરોપી
મહત્ત્વનું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા જેકલીનને આ કેસમાં સહ-આરોપી બનાવવામાં આવી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે સુકેશે પૂર્વ ફોર્ટિસ હેલ્થકેર પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી પડાવેલા કરોડો રૂપિયામાંથી જેકલીનને મોંઘી ભેટ-સોગાદો આપી હતી, જેનો અભિનેત્રીએ આનંદ માણ્યો હતો. આ કેસની શરૂઆત ઓગસ્ટ 2022માં દિલ્હી પોલીસના ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા નોંધાયેલી FIRથી થઈ હતી, જેમાં સુકેશ પર કેન્દ્રીય કાયદા સચિવ હોવાનો ઢોંગ કરી છેતરપિંડી કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: દિગ્ગજ એક્ટર પ્રકાશ રાજ વિવાદોમાં, સંભળાવી પોતાની ‘રામાયણ’, ક્રિમિનલ કેસ દાખલ
સુકેશ ચંદ્રશેખરની વધશે મુશ્કેલીઓ
કાયદાકીય પ્રક્રિયા મુજબ, જો કોઈ આરોપી કે સહ-આરોપી તપાસમાં મદદ કરવા અને કેસના તમામ સત્યો જાહેર કરવા તૈયાર હોય, તો તે સરકારી સાક્ષી બનવા માટે કોર્ટમાં અરજી કરી શકે છે. CrPCની કલમ 306 હેઠળ, જો તપાસ એજન્સી આ વિનંતી સ્વીકારે અને કોર્ટને ખાતરી થાય કે આરોપી સંપૂર્ણ સત્ય જણાવી રહ્યો છે, તો તેને માફી આપી શકાય છે. જોકે, જેકલીનને આ માફી મળશે કે નહીં, તેનો અંતિમ નિર્ણય કોર્ટના હાથમાં છે. જો જેકલીન સરકારી સાક્ષી બનશે, તો સુકેશ ચંદ્રશેખરની મુશ્કેલીઓમાં મોટો વધારો થઈ શકે છે.




