નોઈડા વિરોધ પ્રદર્શન: શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’ | rahul gandhi reaction noida labour protest salary hike demand

![]()
Noida Labour Protest News: ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં પગાર વધારાની માંગ સાથે શ્રમિકોનું પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બાદ પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી છે, પરંતુ આ ઘટના પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયાએ ચર્ચા જગાવી છે. તેમણે શ્રમિકોની સ્થિતિને દેશના મજૂરની અંતિમ ચીસ ગણાવી છે.
મોંઘવારી અને ભાડાનો માર મામલે રાહુલ ગાંધીનું વિશ્લેષણ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લાંબી પોસ્ટ દ્વારા શ્રમિકોના આર્થિક સંઘર્ષનો ચિતાર આપ્યો હતો. નોઈડામાં કામ કરતા મજૂરનો પગાર રૂપિયા 12,000 છે, જ્યારે ભાડું રૂપિયા 4,000 થી રૂપિયા 7,000 સુધીનું હોય છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, જ્યારે રૂપિયા 300નો વાર્ષિક પગાર વધારો મળે છે, ત્યારે મકાનમાલિકો રૂપિયા 500 ભાડું વધારી દે છે. આ બેફામ મોંઘવારી મજૂરનું ગળું ટૂંપે છે. શ્રમિકો રૂપિયા 20,000 પગારની માંગ કરી રહ્યા છે, જેને રાહુલે તેમનો અધિકાર ગણાવ્યો છે.
વેસ્ટ એશિયા સંકટ અને સપ્લાય ચેઇનની અસર
રાહુલ ગાંધીએ આ સ્થાનિક પ્રદર્શનને વૈશ્વિક પરિસ્થિતિ સાથે જોડતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે સપ્લાય ચેઇન તૂટી ગઈ છે, જેનાથી ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમણે એક મહિલા શ્રમિકનો ઉલ્લેખ કર્યો જેણે જણાવ્યું કે, ગૅસના ભાવ વધે છે પણ પગાર નહીં. ગૅસ સંકટમાં લોકોએ રૂપિયા 5,000માં પણ સિલિન્ડર ખરીદ્યા હશે. રાહુલે આરોપ લગાવ્યો કે, આ વૈશ્વિક મોંઘવારી અને ટેરિફ વૉરનો બોજ વડાપ્રધાનના મિત્ર ઉદ્યોગપતિઓ પર નહીં, પણ રોજેરોજ કમાઈને ખાતા મજૂર પર પડ્યો છે.
નવા શ્રમ કાયદા પર આકરા પ્રહાર
રાહુલ ગાંધીએ નવેમ્બર 2025થી અમલી બનેલા ચાર નવા શ્રમ કાયદાઓ પર નિશાન સાધ્યું હતું. આ કાયદાઓ દ્વારા કામના કલાકો વધારીને 12 કલાક કરી દેવામાં આવ્યા છે. સરકારે કોઈપણ ચર્ચા વગર ઉતાવળમાં આ કાયદા લાગુ કર્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો. જે મજૂર રોજ 12 કલાક ઊભા રહીને કામ કરે છે અને બાળકોની ફી દેવું કરીને ભરે છે, શું તેની માંગ ગેરવાજબી છે?
શ્રમિકો દેશની કરોડરજ્જુ છે
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ દેશની કરોડરજ્જુ સમાન શ્રમિકોની સાથે છે, જેમને સરકારે બોજ સમજી લીધા છે. નોઈડાના આ પ્રદર્શનોએ દેશમાં વધતી મોંઘવારી અને શ્રમ અધિકારોના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રસ્થાને લાવી દીધો છે.



