ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- આ તો અપમાન છે | junagadh news haaji kasam rathod voter list removal bid padma shri artist SIR Form 7

![]()
Junagadh News: હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતમાં વિપક્ષનો આરોપ છે કે ફોર્મ-7નો દુરુપયોગ કરી ગુજરાતમાં 10 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. આ સ્થિતિમાં મીર હાજીભાઈ કાસમભાઈ ઉર્ફ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાની અરજી થતાં મોટો વિવાદ ઊભો થયો છે. આ પ્રકારની અરજી કરનારા ભાજપના કોર્પોરેટર છે. વાત એમ છે કે, હજુ 26 જાન્યુઆરીએ જ કળા ક્ષેત્રે યોગદાન બદલ હાજી રમકડુંને પદ્મ શ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે.
શું છે સમગ્ર વિવાદ?
કાયમી સ્થળાંતર થઈ ગયા હોવાનો ઉલ્લેખ કરી હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરાતાં વિવાદ સર્જાયો છે. વાંધા અરજી કરનારા ભાજપના કોર્પોરેટર સંજય જમનાદાસ મણવરે કહ્યું કે હાજીભાઈના આધારકાર્ડમાં મીર અટક છે. તે મીર સરનેમથી જ ઓળખાય છે. તેમના જ વિસ્તારમાં હાજીભાઈ રાઠોડ શંકાસ્પદ નામ લાગતા મેં અરજી કરી હતી.
વાંધા અરજી કરનારા ભાજપ કોર્પોરેટરે શું કહ્યું?
વાંધા અરજી મુદ્દે વધુમાં જણાવ્યું કે, હાજીભાઈ રમકડું જૂનાગઢ જ નહીં દેશનું ગૌરવ કહેવાય, મેં હાજીભાઈના વ્યક્તિગત નામ પર વાંધો નથી લીધો. હાજીભાઈ રમકડાનું નામ મીર હાજીભાઈ કાસમભાઈ, રાષ્ટ્રીય લેવલથી તેમનું તે જ નામે સન્માન કરવામાં આવ્યું હતું. પણ અમે જે વાંધો લીધો છે તેમાં હાજીભાઈ રાઠોડ નામ છે, હાજીભાઈ રમકડું જ્યાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ તે જ વિસ્તારમાંથી એ નામથી હતું એટલે આપણે 7 નંબરના ફોર્મથી એમનો વાંધો લીધો છે. પણ જો મીર હાજીભાઈ કાસમભાઈનું નામ હાજીભાઈ રાઠોડ તરીકે પણ હોય તો સુધારવી લેવું જોઈએ જેથી બે ઓળખ કાર્ડના કારણે કોઈ દુવિધા ઊભી ન થાય.
મારામાં શું કમી છે કે મારી વાંધા અરજી કરી: હાજી રમકડું
બીજી તરફ પોતાના નામ કમી કરવાની અરજી થતાં હાજી રમકડુંએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, હું જૂનાગઢના વોર્ડ નંબર 8મા 60 વર્ષથી રહું છું. મને ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ ઍવૉર્ડ આપ્યા છે. મારામાં શું કમી છે કે મારી વાંધા અરજી કરી નાખી છે.
આ ખોટા ધંધાની પરાકાષ્ઠા: કોંગ્રેસ
સમગ્ર વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરતાં વિપક્ષ પણ મેદાન આવી ગયું છે. કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો છે કે, ‘એક તરફ આપણે જેને પદ્મશ્રી આપીને સન્માન કરીએ છીએ તેનું જ નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપના કોર્પોરેટર અરજી કરે છે. આ ખોટા ધંધાની પરાકાષ્ઠા છે. હાજી રમકડું જેવી જાણીતી હસ્તી સાથે જો રમત રમાતી હોય તો પછી સામાન્ય નાગરિકો સાથે શું નહીં થતું હોય?’
મીર હાજીભાઈ કાસમભાઈ, હાજી રમકડુંને પદ્મશ્રી સન્માન
કેન્દ્ર સરકારે 26 જાન્યુઆરીએ દેશભરની હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મીર હાજીભાઈ કાસમભાઈને પણ કળા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી જાહેર કરાયો છે. તેઓ ‘હાજી રમકડું’ના હુલામણા નામે ઓળખાય છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.


