ગ્રીનલેન્ડ મુદ્દે ફ્રાન્સની અમેરિકાને ચેતવણી, ‘ગરબડ ન કરો, નહીંતર નવી દુનિયા બની જશે!’ | France warns US that Greenland seizure would endanger EU trade

![]()
AI Image
France warns US: ગ્રીનલેન્ડને ગળી જવાની અમેરિકન મહેચ્છા બાબતે હાલ અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ગ્રીનલેન્ડની સુરક્ષા માટે યુરોપના દેશોએ સૈન્ય દળો મોકલ્યા છે, એવા માહોલમાં ફ્રાન્સે અમેરિકાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. ફ્રેન્ચ નાણામંત્રી રોલેન્ડ લેસ્ક્યુરે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘ગ્રીનલેન્ડ સાથે ગરબડ ન કરશો. જો અમેરિકા આ ટાપુ પર કોઈપણ લશ્કરી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો એ પગલું એક રેખા ઓળંગી જવા જેવું હશે જેને લીધે ‘સંપૂર્ણપણે નવી દુનિયા’ સર્જાશે.’
અમેરિકા-યુરોપના સંબંધો ખોરવાઈ જવાનો ભય
ફ્રેન્ચ નાણામંત્રી રોલેન્ડ લેસ્ક્યુરેનો કહેવાનો અર્થ એવો હતો કે, અમેરિકાની લશ્કરી ગુસ્તાખી એના યુરોપ સાથેના આર્થિક અને રાજકીય સંબંધો ખોરવી નાંખશે અને બંને વચ્ચેના સંતુલનને ધરમૂળથી બદલી નાંખશે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, મતભેદ હોઈ શકે, પરંતુ સંવાદ જારી રાખવો અને ‘મર્યાદાઓ’ ઓળંગવી નહીં, જેથી સંબંધો ભાંગી ન પડે.
ફ્રાન્સ અને યુરોપે આકરી પ્રતિક્રિયા આપી
ગ્રીનલેન્ડની સુરક્ષા માટે ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, સ્વીડન અને નોર્વે જેવા યુરોપિયન દેશોએ સૈન્ય ટુકડીઓ મોકલી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે, ગ્રીનલેન્ડમાં જમીન, હવા અને સમુદ્રી સૈન્ય દળો તૈનાત કરવામાં આવશે. મેક્રોને અમેરિકાની ઈચ્છાને ‘નવો વસાહતીવાદ’ ગણાવીને એની ટીકા કરતાં કહ્યું છે કે, યુરોપે પોતાના હિતોનું રક્ષણ કરવું જોઈએ, પ્રાદેશિક સાર્વભૌમત્વના સિદ્ધાંતમાં ક્યારેય સમાધાન ન કરવું જોઈએ.
આ પણ વાંચો: આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઇ! મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો
ડેનમાર્કના વડાપ્રધાને નાટોના અંતની વાત કહી
ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટ ફ્રેડરિકસને પણ અમેરિકાને ચેતવણી આપતા સ્વરમાં કહ્યું હતું કે, જો અમેરિકા ગ્રીનલેન્ડ પર હુમલો કરશે તો નાટો જોડાણનો અંત આવશે. એટલે કે, અમેરિકાની સૈન્ય કાર્યવાહી આખા પશ્ચિમી ગઠબંધનને ધૂળધાણી કરી દેશે.
શા માટે ગ્રીનલેન્ડ એટલું મહત્ત્વપૂર્ણ છે?
ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે, જે ભૌગોલિક રીતે ઉત્તર અમેરિકાની નજીક છે, પરંતુ રાજકીય રીતે ડેનમાર્કનો સ્વયંશાસિત પ્રદેશ છે અને યુરોપિયન યુનિયનનો ભાગ છે. ગ્રીનલેન્ડના પેટાળમાં પ્રચુર માત્રામાં ખનિજો અને દુર્લભ ધાતુઓ ધરબાયેલી પડી છે. ઉપરાંત એનું ભૌગોલિક સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતકાળમાં પણ ગ્રીનલેન્ડને ખરીદવા અથવા ત્યાં લશ્કરી પ્રભાવ વધારવામાં રુચિ બતાવી હતી, જેને કારણે ડેનમાર્ક અને તેના સાથી યુરોપિયન દેશોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
યુરોપ સાર્વભૌમત્વની લડાઈ લડવા તૈયાર
ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાની જોહુકમી નહીં ચલાવવા યુરોપના દેશો મક્કમ છે. યુરોપના દેશો દ્વારા અપાઈ રહેલી ચેતવણીઓ એવો સંદેશ આપે છે કે, જૂના વસાહતીવાદી યુગની રાજનીતિને આજના વિશ્વમાં કોઈ સ્થાન નથી. આજે ગ્રીનલેન્ડ બાબતે ઢીલ મુકાઈ તો ભવિષ્યમાં અન્ય દેશો/પ્રદેશોનો પણ વારો આવી શકે એમ હોવાથી યુરોપ અગમચેતીના પગલાં રૂપે અમેરિકાની સામે ઊભું થયું છે. પ્રશ્ન એ છે કે, શું અમેરિકા એના દાયકાઓ જૂના સાથી સામે શિંગડા ભરાવવાનું જોખમ લેશે કે પછી પાછીપાની કરીને નવું ઊંબાડિયું ચાંપવાથી દૂર રહેશે?



