નાની ખડોલ રોડ પરથી રૂપિયા 2.63 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો | One arrested with foreign liquor worth Rs 2 63 lakh from Nani Khadol Road

![]()
– પોલીસે ગાડી ઉભી રાખવાનો ઈશારા કરતા બે ફરાર
– પોલીસે દારૂનો જથ્થો, કામ મળીને રૂપિયા 8.73 લાખની મત્તા જપ્ત કરી 8 શખ્સો સામે ગુનો નોંધ્યો
નડિયાદ : મહુધા પોલીસે સોમવારે બપોરે મહુધા-અલીણા રોડ નાની ખડોલ નજીકથી ગાડીમાં વિદેશી દારૂની ૬૦૯ બોટલ (કિં. રૂ.૨,૬૩,૮૫૦)ના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડયો હતો. જ્યારે બે ગાડીનો ચાલક તેમજ અન્ય એક શખ્સ નાસી ગયો હતો. મહુધા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનાર ૮ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહુધા પોલીસ સોમવારે બપોરે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન રૂપપુરાના અંતરિયાળ રોડ ઉપરથી મહુધા-અલીણા રોડ પર આવતી ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીનો ચાલક નાની ખડોલ નજીક રોડ નીચે ગાડી ઉતારી ગાડી ચાલક તેમજ અન્ય એક શખ્સ નાસી ગયો હતો. જ્યારે ગાડીમાંથી મળી આવેલા શખ્સની પૂછપરછ કરતા ઘનશ્યામ ચંદુભાઈ ઝાલા (રહે. મિલ રોડ, નડિયાદ )નો હોવાનું અને નાસી ગયેલા શખ્સોમાં ઈરફાન જસભાઈ મહીડા (રહે. વલ્લભનગર નડિયાદ) અને મહેબુબ દિવાન (રહેવાસી નડિયાદ)હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા શખ્સ પાસેથી કિં. રૂ. ૧૦ હજારનો મોબાઇલ મળી આવ્યો હતો. આ ગાડીની તલાસી લેતા વિદેશી દારૂની ૬૦૯ બોટલ (કિંમત રૂ.૨,૬૩,૮૫૦)નો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી કિંમત રૂ.૬ લાખ મળી કુલ રૂ.૮,૭૩,૮૫૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
આ ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આ વિદેશી દારૂ કોને મોકલવાનો હતો તે અંગેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ સુનિલ ઉર્ફે મુરઘી દશરથભાઈ આંજણા પટેલ, સતિષભાઈ તીર્થ તળપદા (બંને રહે. મહુધા), અશ્વિન સોઢા (રહે. મીનાવાડા) અને રઇસ જયેશભાઈ મહીડા (રહે. નડિયાદ)ના કહેવાથી વરસોલા પેટ્રોલ પંપ પર વિદેશી દારૂ લેવા આવનારને દારૂ આપવાનો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસે ઘનશ્યામ ઝાલા સહિત આઠ શખ્સો સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



