વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા મિત્રોનો જીવ લીધો’ | Supervisor Booked 4 Days After 2 Workers Die at Vardhman Paradise Construction Site

![]()
Vardhman Paradise Construction Site Accident: અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી ‘વર્ધમાન પેરેડાઈઝ’ નામની નિર્માણાધીન સાઈટ પર સર્જાયેલા કરુણ અકસ્માત મામલે આખરે ચોથા દિવસે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સેફ્ટીના સાધનોના અભાવે ચોથા માળેથી પટકાયેલા બે શ્રમિકોના મોત નિપજ્યા બાદ, ઈજાગ્રસ્ત શ્રમિકે સુપરવાઈઝરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે.
શું હતી સમગ્ર ઘટના?
નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી, 2026 ના રોજ આંબાવાડી સ્થિત વર્ધમાન પેરેડાઈઝ સાઈટ પર પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું હતું. મૂળ રાજસ્થાનના બાંસવાડાના વતની અને હાલ સેટેલાઈટમાં રહેતા ધિરેજભાઈ ડાભી (30) તેમના સાથીદારો શાંતિલાલ મનાત, દેવીલાલ ગમાર અને પ્રવીણભાઈ સાથે કામ પર હતા. સવારે અંદાજે 10:30 વાગ્યે સુપરવાઈઝરની સૂચના મુજબ શ્રમિકો ચોથા માળે પાલખ પર ચડીને કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાલખનું લાકડું તૂટી પડતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા.
સેફ્ટી સાધનોનો અભાવ જીવલેણ સાબિત થયો
ફરિયાદ મુજબ, સુપરવાઈઝર નારણભાઈ લક્ષ્મણભાઈ રાવલે શ્રમિકોને જોખમી ઊંચાઈ પર કામ કરવા મોકલ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારના સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ પૂરા પાડ્યા નહોતા. નીચે પટકાતા જ ગંભીર ઈજાઓને કારણે શાંતિલાલ અને દેવીલાલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
ઈજાગ્રસ્ત શ્રમિકે વર્ણવી આપવીતી
ફરિયાદી ધિરેજભાઈએ જણાવ્યું કે નીચે પટકાયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. ભાન આવ્યા બાદ ખબર પડી કે તેમને હાથ, કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી શરૂઆતમાં ઘરે જઈ સારવાર લીધી હતી, પરંતુ દુખાવો અસહ્ય થતા તેમણે SVP હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ સુપરવાઈઝર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો.
હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર કે બિલ્ડરની અન્ય કોઈ સ્તરે બેદરકારી છે કે કેમ?



