गुजरात

અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય | Ambaji Temple Caps Flag Length at 5 Meters to Ensure Devotee Safety



Ambaji Temple: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આવતા લાખો માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંદિરના સુવર્ણ શિખરની સુરક્ષા અને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને, હવેથી શિખર પર વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજા ચઢાવી શકાશે. આ નવા નિયમનો અમલ આગામી પહેલી જાન્યુઆરી 2026 થી કરવામાં આવશે. ધજા ચઢાવવા માટે ભક્તોએ પૂર્વનિર્ધારિત ઓનલાઈન અથવા ઓફલાઈન સ્લોટ બુક કરાવવાના રહેશે.

કેમ લેવો પડ્યો આ નિર્ણય?

મંદિર વહીવટીતંત્ર અને ટેકનિકલ નિષ્ણાતોના સર્વેક્ષણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંદિરના મુખ્ય શિખર પર રહેલા ધ્વજદંડને આશરે 15 વર્ષ પૂર્ણ થયા છે. ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે દૈનિક સ્તરે ચઢતી 50થી 60 ધજાઓના વજન અને પવનના દબાણને કારણે ધ્વજદંડને નુકસાન પહોંચી શકે તેમ છે.

ખૂબ જ લાંબી ધજાઓ જ્યારે પવનમાં લહેરાય છે, ત્યારે તે સુવર્ણમય શિખરના કવચ સાથે ઘસાય છે, જેનાથી સોનાના કવચને ઘસારો પહોંચતો હોવાનું નોંધાયું છે. ઘણી વખત ભક્તો 50 ગજ કે તેથી વધુ લાંબી ધજાઓ લાવતા હોય છે. આવી લાંબી ધજાઓ જમીનને અડતી હોવાથી ચાલતા યાત્રિકોના પગમાં આવે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે અને અન્ય ભક્તોની ધાર્મિક લાગણી પણ દુભાય છે.

શાસ્ત્રોક્ત વિધિ અને ટેકનિકલ સર્વે

આ નિર્ણય લેતા પહેલા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને પરંપરા જળવાઈ રહે તે રીતે 5 મીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ અંગેનું ટેકનિકલ સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું હતું જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તો અને વિવિધ સંઘોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મંદિરની ગરિમા અને સુરક્ષા જાળવવા આ નિર્ણયમાં સહકાર આપે. લાંબી ધજાઓ લાવવાને બદલે નિયત માપની ધજાઓ લાવી માતાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા પ્રગટ કરે.



Source link

Related Articles

Back to top button