વેનેઝુએલા પર હુમલા બાદ ટ્રમ્પની નવી ધમકીથી યુરોપમાં હડકંપ! ગ્રીનલૅન્ડ પર કબજો કરશે અમેરિકા? | trump threatens denmark greenland takeover after venezuela victory

Trump threatens Greenland: વેનેઝુએલાના પ્રમુખ માદુરોની ધરપકડને પોતાની મોટી જીત ગણાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુરોપ તરફ આક્રમક બન્યા છે. ટ્રમ્પે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે અમેરિકાને ગ્રીનલૅન્ડની જરૂર છે અને તે દેશની રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. આશ્ચર્યની વાત એ છે કે ગ્રીનલૅન્ડ એ ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે અને ડેનમાર્ક અમેરિકાનો જૂનો નાટો(NATO) સાથી છે.
ગ્રીનલૅન્ડ વ્યુહાત્મક રીતે મહત્ત્વનું, ડેનમાર્ક તેને સંભાળી શકતું નથી: ટ્રમ્પ
પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, ‘ગ્રીનલૅન્ડ હાલમાં ‘ખૂબ જ વ્યૂહાત્મક’ સ્થાને છે અને ત્યાં રશિયન તથા ચીની જહાજોની હાજરી વધી રહી છે. અમને ગ્રીનલૅન્ડ જોઈએ છે, ડેનમાર્ક તેને સંભાળી શકે તેમ નથી.’ ટ્રમ્પે તો ત્યાં સુધી દાવો કરી દીધો કે યુરોપિયન યુનિયન પણ ઇચ્છે છે કે અમેરિકા ગ્રીનલૅન્ડ પર પોતાનું નિયંત્રણ મેળવે.
ડેનમાર્કમાં આક્રોશ: ‘અમારો દેશ વેચાણ માટે નથી’
ટ્રમ્પના આ નિવેદનથી યુરોપિયન દેશોમાં ભયનો માહોલ છે. ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિક્સને આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘અમેરિકાએ તેના ઐતિહાસિક સાથીને ધમકાવવાનું બંધ કરવું જોઈએ. ગ્રીનલૅન્ડના પીએમ જેન્સ-ફ્રેડરિક નીલ્સને પણ આને અપમાનજનક ગણાવતા સ્પષ્ટ કર્યું કે, ‘અમારો દેશ વેચાણ માટે નથી.’
આ દરમિયાન ટ્રમ્પના ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટીફન મિલરની પત્ની કેટી મિલરે સોશિયલ મીડિયા પર ગ્રીનલૅન્ડના નકશા પર અમેરિકાનો ઝંડો હોય તેવી તસવીર મૂકી ‘ટૂંક સમયમાં'(Soon) લખતા વિવાદ વકર્યો છે.
શું NATOનું આર્ટિકલ 5 એક્ટિવ થશે?
નિષ્ણાતો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ટ્રમ્પ ખરેખર ગ્રીનલૅન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કરશે તો શું નાટોનું ‘આર્ટિકલ 5’ લાગુ થશે? આ નિયમ મુજબ, કોઈ એક સભ્ય દેશ પર હુમલો એ સમગ્ર સંગઠન પર હુમલો માનવામાં આવે છે. ડેનમાર્ક નાટોનું સભ્ય હોવાથી કોઈપણ સૈન્ય કાર્યવાહી સમગ્ર યુરોપને યુદ્ધમાં ધકેલી શકે છે. જોકે, વેનેઝુએલા પરના હુમલા સમયે વિશ્વની શાંતિ જોતા એવી આશંકા છે કે પશ્ચિમી દેશો કદાચ મૌન રહે.
આ પણ વાંચો: વેનેઝુએલાને પાયમાલ કરનાર માદુરોની કહાની, જાણો એક બસ ડ્રાઇવર સરમુખત્યાર કેવી રીતે બન્યો
કોલંબિયા પણ ટ્રમ્પના નિશાન પર
ટ્રમ્પે માત્ર ગ્રીનલૅન્ડ જ નહીં, પરંતુ કોલંબિયાને પણ ચેતવણી આપી છે. તેમણે ઓપરેશન કોલંબિયાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મને આ વિચાર ગમે છે. ટ્રમ્પે કોલંબિયા પર પણ ડ્રગ્સની તસ્કરીના એ જ આરોપો લગાવ્યા છે જે તેમણે વેનેઝુએલા પર લગાવ્યા હતા.




