અમદાવાદમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, ભૂયંગદેવ નજીક BRTS બસે બાઈકચાલકનો લીધો ભોગ | Ahmedabad News Road Accident Three died hit and run accidents sola Ahmedabad

![]()
Ahmedabad News: અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં BRTS બસ, ટ્રક અને ટ્રેક્ટર જેવા ભારે વાહનો કાળ સાબિત થયા છે. પોલીસે ત્રણેય કેસમાં અકસ્માતે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદાકીય પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.
BRTS બસના ચાલકે વૃદ્ધાને ફંગોળ્યા
પહેલી ઘટનામાં સોલા વિસ્તારમાં રહેતા 67 વર્ષીય નાગજીભાઈ ગોંડલીયા 31 ડિસેમ્બરના રોજ પોતાના ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા. ભૂયંગદેવ પાસે એક BRTS બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બ્રેન હેમરેજ થયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ મામલે એ-ડિવિઝન ટ્રાફિક પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
યુવક પર ટ્રકનું ટાયર ફરી વળ્યું
બીજી ઘટનામાં ઓઢવમાં મજૂરી કામ કરતા સાગર યાદવ નામના 28 વર્ષીય યુવક સાથે હિટ એન્ડ રનની ઘટના બની હતી. શનિવારે સાંજે જ્યારે સાગર વેપારી મહામંડળ કટ પાસે પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે તેને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનું ટાયર યુવક પર ફરી વળતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં ‘લોહીયાળ’ જંગ
મહિલા ટ્રેક્ટરના ટાયર નીચે ચગદાઈ
ત્રીજી ઘટના અમદાવાદ ગ્રામ્યના બારેજા બ્રિજ પાસે બની હતી. મૂળ રાજસ્થાનના અને હાલ મહેમદાવાદ રહેતા પ્રવિણાબેન તેમના દિયર ગોપાલસિંહ સાથે ટુ-વ્હીલર પર જઈ રહ્યા હતા. આ દરમિયાન લક્ષ્મીનગર સોસાયટી પાસે રેતી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીએ તેમને ટક્કર મારી હતી. નીચે પટકાયેલા પ્રવિણાબેન પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અસલાલી પોલીસે આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક અજય ચુનારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



