દુર્ગમ વિસ્તારમાં ૧૦૮ની કબીલેદાદ કામગીરી: મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી માતા તથા બાળકનો જીવ બચાવાયો

જીએનએ જામનગર
ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખી જામનગર 108 ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત 108 ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત લાલપુર તાલુકાના માનપર ગામના વાડી વિસ્તારની મહિલા તથા નવજાત શીશુનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.
મળતી માહિતી પ્રમાણે લાલપુર તાલુકાના માનપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રસુતા રમિલાબેનને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો હતો જેથી તેઓના પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો.જેથી તાત્કાલિક નજીકની 108 એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચવા નિકળી હતી પરતું દુર્ગમ વિસ્તાર હોવાના કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોચી શકે તેમ ન હતી. સમગ્ર પરિસ્થિતની ગંભીરતા ધ્યાને લઈ એમ્બ્યુલન્સના EMT શ્રી રવિનાબેન તથા પાયલોટ શ્રી અરજણભાઇ રાડાએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર સ્ટ્રેચર સાથે પ્રસુતાના ઘરે પહોચ્યા હતા અને અડધો કિલોમિટર જેટલું અંતર પગપાળા ચાલી મહિલાને સ્ટ્રેચર પર જ એમ્બ્યુલન્સ સુધી લાવ્યાં હતા અને માર્ગ પર એમ્બ્યુલન્સમાં જ રમિલાબેનની સફળ પ્રસુતિ કરાવી માતા તથા નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો.ત્યારબાદ વધુ સારવાર અર્થે માતા તથા નવજાત બાળકને એમ્બ્યુલન્સના પાયલોટ તથા EMT દ્વારા લાલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે હેમખેમ પહોંચાડી દેવદૂતની ભૂમિકા અદા કરી હતી. 108ની આ પ્રસંશનીય કામગીરીને પ્રસુતાના પરિવારજનો તથા સ્થાનિક રહેવાસીઓએ બિરદાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો