મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોર ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા નજીક પોર ગામથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.પોર વિસ્તારને લાભ આપનારા રૃા.૨૫ લાખથી વધુ રકમના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પોર ગામતી બે દાયકાના વિકાસની ઝાંખી કરાવતી વંદે ગુજરાત વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવવાની સાતે ડબલ એન્જિન સરકાર દ્વારા અપાતા લાભો અને યોજનાઓની જાણકારી અપાઈ હતી. આ વિકાસ રથ જિલ્લાના ૬૮ ગામો અને ચાર નગરપાલિકા વિસ્તારોમાં ફરશે. આ તમામ વિસ્તારોમાં ૭ કરોડથી વધુ રકમના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તબક્કાવાર થશે.વડોદરા શહેર વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી મનીષા વકીલે સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી કરાવ્યો હતો. તા.૬ થી ૧૯ સુધી તમામ વોર્ડમાં સવાર- સાંજ આ યાત્રા આયોજિત થશે. વિવિધ વોર્ડમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજૂર કામોની જાહેરાત વગેરેની માહિતી લોકો સુધી રથમાં લગાવેલા સ્ક્રીન દ્વારા પહોંચાડવામાં આવશે. રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ રથયાત્રાથી પ્રજાને ૧૮ વિભાગોની યોજનાઓની ઉપયોગી માહિતી મળશે.