સાબરમતી જેલમાં પણ બાહુબલી અતિક અહેમદને છે ઘી-કેળા? હોળીની ઉજવણીની તસ્વીરો થઈ વાયરલ
અમદાવાદ: પૂર્વ સાંસદ બાહુબલી અતીક અહેમદ ની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સનસની મચી ગઈ છે. દાવો કરાઈ રહ્યો છે કે, આ તસવીરો ગુજરાત સાબરમતી જેલ ની અંદરની છે. આ તસવીરો હોળીના દિવસે જેલમાંથી લેવામાં આવી હોવાનું કહેવાય રહ્યુ છે. જેલમાં હોળીની ઉજવણી કરવી એ કોઈ અનોખી વાત નથી, પરંતુ બાહુબલી અતીક અહેમદ જે રીતે અબીલ-ગુલાલ ઉડાડીને દરબારની જેમ સજાવેલી હોળીની મજા માણતો જોવા મળે છે, તે ઘણા ગંભીર સવાલો ઉભા કરે છે. સાથે જ જેલની અંદરના મોબાઈલ કે કેમેરાથી લીધેલી તસવીરો પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ તસવીરો લઈને એવો દાવો કરાઈ રહ્યો છે કે, બાહુબલી અતીક અહેમદ ગુજરાતની જેલમાં પણ પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને જલસા કરી રહ્યો છે. આ તસવીરો પર લોકો એવી કમેન્ટ પણ કરી રહ્યા છે કે, જો અતીક અહેમદ યોગીના રાજમાં યુપીની કોઈ જેલમાં હોત તો તે આ રીતે મહેફિલ સજાવવાની હિંમત ન કરી શક્યો હોત. જોકે, ગુજરાતમાં ભાજપની સરકાર હોવાથી વિપક્ષ ચોક્કસપણે આ તસવીરોને લઈને કટાક્ષ કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, પૂર્વ સાંસદ અતીક અહેમદ 27 ફેબ્રુઆરી, 2017થી જેલમાં છે, જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી તે સુપ્રીમ કોર્ટના આદેશ પર અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અતીક અહેમદની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે, આ તસવીરો જેલની અંદર હોળીના અવસરે લેવાઈ છે. જેમાંથી એક તસવીરમાં અતીક ગુલાલના રંગે રંગાયેલો જોઈ શકાય છે. બીજી તસવીરમાં અતીક અહેમદ અને કેટલાક અન્ય લોકો પણ જેલમાં સજાવેલી મહેફિલમાં જોવા મળે છે. આ તસવીરમાં અતીક સાથે અન્ય 5-6 લોકો ખુરશીઓ પર બેઠા છે. ટેબલ પર ગુજિયા-પાપડ, મીઠાઈ અને ચાના કપ રાખેલા છે અને બીજા બધા કેદીઓ પાછળ જમીન પર બેઠેલા જોવા મળે છે.
આ તસવીર જોઈને પહેલાં તો એવું જ લાગે છે કે, અતીકે તેના ઘરે એક આ મેળાવડો સજાવ્યો છે અને તે બધા લોકોને હોળીની દાવત આપી રહ્યો છે. આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહી રહ્યા છે કે, જેલની અંદર પણ તહેવારો ઉજવાય છે અને જેલમાં ગુલાલ ઉડાડવો એ ખોટું નથી, જ્યારે મોટાભાગના બાહુબલી અતીક જેલમાં જલસા કરી રહ્યો છે તેને યોગ્ય નથી માનતા અને તેને કાયદા સાથે મજાક ગણાવી રહ્યા છે.