સાપુતારામાં માર્ચમાં ચોમાસા જેવો માહોલ, ગુજરાતના આ વિસ્તારોમાં પણ છે માવઠાની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં માવઠાની વધુ એક રાઉન્ડની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 10 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે. ત્યારે સાપુતારામાં ધુમ્મસ સાથે કમોસમી વરસાદ થયો છે. બીજા દિવસે પણ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ થયો છે.
ડાંગના સાપુતારામાં બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. ડાંગમાં ધુમ્મસ સાથે કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવું વાતાવરણ થઇ ગયું છે. ધુમ્મસની ચાદર અને વરસાદ સાથે ગિરિમથકનું સૌંદર્ય વધારે ખીલી ઉઠ્યું છે. બીજા દિવસે પણ વરસાદ વરસતા ડાંગ જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર થયુ છે.