ગુજરાતમાં ફરીથી વાતાવણમાં આવશે પલટો, રવિવાર સુધી કાતિલ ઠંડીની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં આજથી એટલે શુક્રવારથી તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. આગાહી પ્રમાણે, આગામી 48 કલાક માટે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. રવિવારથી લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો થશે લાગે તેની પૂરી સંભાવના છે. એટલે આજે અને આવતીકાલે ક્યાંય જવાનું વિચારતા હોય તો સ્વેટર અને શાલ વધારે લઇ જવા પડશે.
ગુરુવારે અમદાવાદમાં 18.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. આ સાથે ગુરૂવારે રાતે વડોદરામાં 15.6, નલિયામાં 15.9, પાટણ-ડીસામાં 16, કંડલામાં 16.5, જુનાગઢમાં 16.7, ગાંધીનગરમાં 16.8, પોરબંદરમાં 17, ભૂજમાં 17.9, રાજકોટમાં 18.4, સુરતમાં 18.8 જ્યારે ભાવનગરમાં 19 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
બદલાતા હવામાનને જોતા હવામાન વિભાગે સાવચેતી રાખવાનું જણાવ્યું છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સતત બદલાતા હવામાનને કારણે ઘરે ઘરે શરદી ખાંસીની બીમારી જોવા મળી રહી છે. ત્યારે ફરીથી ઠંડી વધવાથી લોકોએ સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું પડશે. આ વર્ષે શિયાળામાં સતત પાંચમી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. જેના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.