ધનતેરસના દિવસે પુત્રવધૂને માસિક આવતા સાસુએ ગણાવ્યું પાપ, એક સ્ત્રીની દર્દભરી કહાની
અમદાવાદ: શહેરમાં રહેતી અને ભણેલી ગણેલી એક યુવતીને લગ્ન બાદ સાસરિયાઓનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. પતિ સહિતના સાસરિયાઓ તેને ત્રાસ આપી દહેજ માંગતા હતા. ધનતેરસના દિવસે યુવતીને માસિક આવતા દીકરી સાથે પિયરમાં જતા રહેવાનું સાસુએ કહી પૂજામાં બેસવા દીધી નહોતી અને કાઢી મૂકી હતી. જ્યારે યુવતીને ગર્ભ રહ્યો ત્યારે ગર્ભપાત કરાવવા દબાણ કરી પુત્રી જ આવશે તેવી દહેશત ઉભી કરી ત્રાસ આપ્યો અને મારી હતી. આટલું જ નહીં પતિ અમેરિકા જવાનો હતો ત્યારે વિઝા પ્રોસેસ માટે પાસપોર્ટ લઈને જતો રહ્યો હતો. બાદમાં યુવતીને સાસરિયાઓ જ્યાં છે તેની જાણસુધ્ધા નહોતી. સોશ્યલ મીડિયા પર ફોટો જોયા ત્યારે વર્ષો બાદ બધા અમેરિકા ગયા હોવાનું તેને જાણવા મળ્યું હતું. હાલ સમગ્ર બાબતોને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના કાલુપુરમાં રહેતી 37 વર્ષીય યુવતી બેચલર ઓફ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2012માં આ યુવતીના લગ્ન ઘાટલોડિયાના એક યુવક સાથે થયા હતા. લગ્નના એકાદ માસ બાદથી જ યુવતીના સાસરિયાઓ દહેજ બાબતે કકળાટ કરતા હતા. તેના પતિની નોકરી મુંબઈ લાગતા તેઓ ત્યાં રહેવા ગયા ત્યારે પિયરનું મકાન વેચી મુંબઈમાં ઘર લેવા યુવતીને દબાણ કરતા હતા.