શહેરમાં ઠંડીનું જોર યથાવત, રાત્રિનાં સમયે ઝૂંપડપટ્ટી વિસ્તારનાં લોકો ઠુંઠવાયા
અમદાવાદ શહેરમાં ઠંડીનું જોર ભલે સવારનાં સમયે ઘટ્યું હોય પણ રાત્રિનાં સમયે ઠંડીનું પ્રમાણ પહેલાં જેવું છે અમદાવાદનાં તાપમાનની વાત કરીએ તો દિવસ દરમિયાન નોંધાયેલું મહતમ તાપમાન 26.7 ડિગ્રી છે જ્યારે અમદાવાદનું રાત્રિ સમયે નોંધાયેલું લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી છે. ગત દિવસોની તુલનામાં પવનની ગતિ કાબુમાં આવી છે છતાંય વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધુ હોવાથી શહેરીજનોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટશે તેવી હવામાન ખાતાની આગાહી છે.
પૂર્વ અમદાવાદમાં ખુલ્લા વિસ્તાર હોવાથી, રિંગ રોડ પડતો હોવા ઉપરાંત તેને અડીને ખેતરો આવેલા હોવાથી ઉપરાંત પૂર્વ અમદાવાદની મધ્યમાંથી ગંદા પાણીથી ભરચક ખારીકટ કેનાલ પસાર થતી હોવાથી આ પટ્ટામાં ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન તાપમાનનો પારો ગગળી જાય છે. આ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીઓ, ચાલીઓ, નાની-નાની વસાહતો તેમજ પાંચેક માળના નવા બનેલા ફ્લેટો છે. કોઇ મોટી હાઇરાઇઝ બિલ્ડિંગ ન હોવાથી પવન અવરોધાયા વગર સીધો જ લોકોને સ્પર્શી રહ્યો હોવાથી ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં અનુભવાઇ રહ્યું છે.