અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારની પસંદગી, ગીતા પટેલ બન્યાં ડે. મેયર

અમદાવાદ: મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હોદેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે કિરીટ પરમાર ના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર પદ માટે ગીતાબેન પટેલ ના નામની જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ ના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેશ બારોટ નું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દંડક તરીકે અરુણસિંહ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી છે.
પાર્ટીએ ઉમદા સંદેશ આપ્યો: કિરીટ પરમાર
મેયર પદ માટે નામની જાહેરાત બાદ કિરીટ પરમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મારા નામની જાહેરાત કરીને ભારતીય જતા પાર્ટીએ એવો સંદેશ આપ્યો છે કે, ચાલીમાં ભાડુઆત તરીકે રહેતો કાઉન્સિલર પણ મેયર બની શકે છે. નાના કાર્યકરની પણ પાર્ટીએ કદર કરી છે. આવું ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે છે.”