રાજ્ય કક્ષાના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની કાર્યક્રમમાં રાજ્યપાલ નહીં રહે હાજર, જાણો શું છે કારણ?
ગાંધીનગરઃ 26 જાન્યુઆરીના ગીર સોમનાથ ખાતેની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર નહિ રહે. રાજ્યપાલ કોરન્ટાઈન હોવાના કારણે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજર નહિ રહે. રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી 26મી જાન્યુઆરીનું ધ્વજ વંદન કરશે. સામાન્ય રીતે 26 જાન્યુઆરીએ રાજ્યપાલના હસ્તે ધ્વજ વંદન કરાતું હોય છે. જો કે રાજ્યપાલ કોરોના સંક્રમિત હોવા અંગે રાજભવન તરફથી કોઈ સ્પષ્ટતા નહીં.
સોમનાથ ખાતે રાજયકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ૧૮ પ્લાટુન મુખ્યમંત્રીને સલામી આપશે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું છે. ધ્વજવંદન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપ્સીમાં પરેડ નિરીક્ષણ કરશે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવું પડશે, જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાશે. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરાશે.