શાહપુરમાં બેરા સમોસાએ ભારે કરી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, શું છે કારણ?
Ahmedabad news: ક્યારેક નજીવી બાબત એવું ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે કે ક્યારેય કલ્પના ન કરી હોય. અત્યારસુધીમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં સમોસાએ ભારે કરી છે. ગોડાઉનમાં બનાવવામાં આવતા બેરાના સમોસાના કારણે માતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી પુત્ર ગોડાઉનના માલિકને રજૂઆત કરવામાં ગયો હતો. અને મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
દરિયાપુર વિસ્તારમાં રહેતા ગુલામ હૈદર શેખે શાહપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે શાહપુરમાં આવેલ બેરાના સમોસા બનાવતા ગોડાઉન માં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
16 મી જાન્યુઆરી એ સવારે નવ વાગ્યાની આસપાસ તે ગોડાઉનમાં કામકાજ કરી રહ્યો હતો ત્યારે મહોલ્લામાં રહેતા ફૈઝન શેખ અને તેની માતા ત્યાં આવ્યા હતા. અને ફરિયાદીને કહ્યું હતું કે તમારું ગોડાઉન બંધ કરી નાખો, તમારા બેરા સમોસા બનાવવાના લીધે મારી માતાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
તેમ કહીને ફરિયાદી અને તેના શેઠને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જો કે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો.