ગુજરાતમાં કોરોનાનો કેર વધતાં ‘મિનિ લોકડાઉન’ની તૈયારી, આજે જાહેર થશે નવી ગાઈડલાઈન, કેવાં હશે નવાં નિયંત્રણો ?
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 11 હજારને પાર પહોંચી ગયા છે. તેના કારણે લોકોમાં ભારે ફફડાટ છે ત્યારે ગુજરાતમાં ‘મિનિ લોકડાઉન’ લદાશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરેલી બેઠકમાં નિયંત્રણો કડક બનાવવનું કહ્યું હોવાનો સૂત્રોનો દાવો છે.
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂની મુદતમાં વધારો સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી. આ નિયંત્રણોની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે ઉત્તરાયણ ને 14 જાન્યુઆરીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. આ નવી ગાઈડલાઈનમાં કોરોનાના વધતા કેસોને રોકવા માટે ગુજરાતમાં ‘મિનિ લોકડાઉન’ જેવાં આકરાં નિયંત્રણો લદાશે એવી ચર્ચા ચાલી રહી છે.
સરકારના સૂત્રોએ આપેલા સંકેત પ્રમાણે ગુજરાત સરકારની નનવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ હલના રાતના 10 વાગ્યાને બદલે 9 વાગ્યાથી અમલી બને એવી શક્યતા છે. નાઈટ કરફ્યુ સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. બીજી લહેર વખતે રોજના 2000 કેસ આવવા લાગતાં જ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એ ચાર 4 મહાનગરમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો. ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.
હાલ 8 મહાનગરો ઉપરાંત નડિયાદ અને આણંદ મળીને કુલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે. નવી ગાઇડલાઇન્સમાં બીજાં 10 શહેરોનો સમાવેશ કરાશે. હાલમા જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય એવાં શહેરોનો પણ નઈટ કરફ્યુનાં શહેરોમાં ઉમેરો થઈ શકે છે.