સાબરમતી રિવરફ્રન્ટથી SOU વચ્ચે સી પ્લેન 27મી ડિસેમ્બરથી ફરીથી થશે શરૂ, જાણો બુકિંગ ક્યારથી થશે?
ગુજરાતીઓ માટે નવા વર્ષ પહેલા જ સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા આગામી તારીખ 27મી ડિસેમ્બરથી ફરીથી શરૂ કરવામાં આવશે. તેના માટે તારીખ 20મીથી બુકિંગ શરૂ કરવામાં આવસે તેવી જાહેરાત સ્પાઇસ જેટ દ્વારા કરવામાં આવી છે. ગત તારીખ 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેઇન્ટેનન્સ માટે 28 નવેમ્બરથી સી પ્લેન સર્વિસ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી હતી અને તેના એરક્રાફ્ટને માલદિવ્સ પરત મોકલી દેવામાં આવ્યું હતું.
સી પ્લેન ઓપરેટર એરલાઇન્સ સ્પાઇસ જેટે જણાવ્યું છે કે, ‘સ્પાઇસ જેટના હસ્તકની સ્પાઇસશટલ દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે 27 ડિસેમ્બરથી સી પ્લેન સર્વિસ શરૂ કરવામાં આવશે. દરરોજની બે ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે. મુસાફરો માટે સી પ્લેનનું બૂકિંગ 20 ડિસેમ્બરથી શરૂ કરાશે. ‘ જોકે, સી પ્લેનનું એરક્રાફ્ટ માલદિવ્સથી અમદાવાદ ક્યારે આવશે તે અંગે કાંઇ જાણ નથી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘સી પ્લેન એરક્રાફ્ટ અમદાવાદ ક્યારે આવશે તેને લઇને અમને હજુ કોઇ સત્તાવાર જાણ કરાઇ નથી.’