ગાંધીનગર: ચોરી કરતાં કરતાં ચોરને ઠંડીમાં દેખાયો બ્લેનકેટ, સાત લાખના દાગીના બાજુમાં મુકીને ત્યાં જ સુઇ ગયો
ગાંધીનગર: હાલ રાજ્યમાં એટલી ઠંડી પડી રહી છે કે કોઇને પણ બ્લેનકેટમાંથી બહાર આવવાનું ગમતુ નથી. આ હાડ થીજવતી ઠંડીમાં ચોરીનો એક રસપ્રદ કિસ્સો બન્યો છે. જેમાં ગાંધીનગરમાં માણસા પાસે એક ઘરમાં ચોર ચોરી કરવા આવ્યો તેણે સાત લાખના ઘરેણાં અને રોકડની ચોરી કરી લીધી. પછી તેને એક બ્લેઇનકેટ પણ દેખાયો એટલે તે રાતની કડકડતી ઠંડીમાં થોડીવાર ઝોંકું મારવાના ઇરાદાથી ત્યાં સુઇ ગયો. મઝાની વાત તો ત્યારે થઇ કે, સવારે ઉઢીને જ્યારે 25 વર્ષના યુવાન ચોરે આંખો ખોલી તો તેની આસપાસ લોકો ઉભા હતા. જેમાં પોલીસની સાથે ઘરના માલિક અને પાડોશીઓ પણ હતા.
યુવાન ચોર અઠવાડિયાથી બરાબર સૂતો ન હતો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, 25 વર્ષના વિષ્ણુ દાતાણી પર આરોપ છે કે, મંગળવારે રાત્રે તેણે રિદ્રોલ ગામના એક ઘરનું તાળુ તોડ્યુ હતું. આ ચોરે કબાટો ફંફોસ્યા હતા અને લગભગ સાત લાખ રુપિયાની કિંમતના સોના અને ચાંદીના ઘરેણાં તેણે ચોર્યા હતા. ચોરી કરતા કરતા તેને એક બ્લેન્કેટ પણ મળી ગયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી વિષ્ણુને પૂરતી ઊંઘ મળી નહોતી, તો તેણે આ તકનો ફાયદો ઉઠાવ્યો અને બ્લેન્કેટ ઓઢીને શાંતિથી થોડીવાર નાનકડું ઝોકું લેવાનું વિચારીને સુઇ ગયો.
ચોરની આંખ ખુલી તો સામે ઘર માલિક અને પોલીસ હતા
માણસા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વિષ્ણુ પટેલનું આ ઘર છે. મંગળવારે મોડી રાત્રે વિષ્ણુ પટેલને તેમના પિતરાઇ કનુ પટેલે ફોન કરીને જણાવ્યું કે, કોઈ તેમના ઘરમાં ઘુસી ગયું હોય તેમ લાગે છે. જ્યારે કનુ પટેલ અન્ય સ્થાનિકો સાથે ઘરમાં પ્રવેશ્યા તો, જોયું કે ચોર કિંમતી વસ્તુઓની ચોરી કરીને પોતાની પાસે મુકી છે અને બ્લેનકેટ ઓઢીને સુઈ ગયો છે.
જેથી તેમણે મુખ્ય દરવાજો બહારથી બંધ કર્યો અને પોલીસ તેમજ વિષ્ણુ પટેલને આ બાબતની જાણ કરી. એકાએક જ્યારે ચોરની આંખ ખુલી ત્યારે પોલીસ ત્યાં આવી પહોંચી હતી. આ ઘટના મંગળવારે રાત્રે બની ત્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 7 સેલ્સિયસ થઈ ગયુ હતું.