અમદાવાદ: ATMમાં ફુટપટ્ટી નાંખીને ગઠિયાઓએ કરી ચોરી, જુઓ CCTV
અમદાવાદ: શહેર અને રાજ્યમાં મોટાભાગે રોજ જ ચોરીના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે અમદાવાદમાં એટીએમાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે જે જોઇને તમે માંથુ ખંજવાળતા રહી જશો. અમદાવાદમાં ATMમાંથી ચોરીની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, બે તસ્કરો ATMમાં ચોરી કરી રહ્યા છે. યુનિયન બેંક સહિત અન્ય બેંકના ATMમાં ચોરી થઈ હતી. ATMમાં ફુટપટ્ટી નાંખીને મશીન બ્લોક કરી દીધું હતું અને બાદમાં રુપિયા લઈને ચોર ફરાર થયા હતા. પોલીસે આ યુવાન તસ્કરો સામે તપાસ આદરી છે.
ગ્રાહક રુપિયા ન નીકાળી શકે
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના યુનિયન બેંક અને અન્ય બેંકના એટીએમમાં ચોરી થઇ હતી. જેમાં બે યુવાન તસ્કરોએ એટીએમ મશીનમાં ફુટપટ્ટી નાંખીને મશીન બ્લોક કરી દીધું હતુ. જેથી ગ્રાહક રુપિયા લેવા આવે પરંતુ મશીનમાંથી રુપિયા નીકળે નહીં. જે બાદ આ તસ્કરો આવીને મશીનમાંથી ફુટપટ્ટી હટાવીને રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. આ રીતે 16 હજાર રુપિયાનું નુકસાન થયું છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. જે પરથી સ્થાનિક પોલીસ પણ આ ગઠિયાઓને શોધી રહી છે.
પહેલા પણ આવી ચોરીના બનાવ આવ્યા છે સામે
થોડા સમય પહેલા પણ શહેરમાં આવો જ ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પાર્ક સોસાયટી નજીક SBI બેંકના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. વિરાટનગરમાં સવારના સમયે તસ્કરો ચોરી કરવા માટે એટીએમમાં ઘૂસ્યા હતા. સૌ પહેલાં તસ્કરોએ બેંકના એટીએમનું શટર તોડીને નુકસાન કર્યું હતું.