આજથી પાંચ દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો આજે ક્યાં છે માવઠાની આગાહી
![](https://livetvtodaynews.in/wp-content/uploads/2022/01/Gujarat-rain.webp)
રાજ્યમાં આજથી માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાનના કરાંચી વાયા થઇ ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી એટલે કે, 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.
આગાહી પ્રમાણે, આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન હતુ કે, 4થી 11 જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમોસમી વરસાદના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે અને માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.