Alert! UKથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં એક પ્રવાસી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું
અમદાવાદ: દેશમાં કોરોનાના કેસ હાલમાં ઓછા થયા છે. જોકે, આ દરમિયાન દક્ષિણ આફ્રિકા માં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવતા ફરીથી ડર ફેલાયો છે. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે યુકેથી અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (RT-PCR Report) આવતા તંત્રની ચિંતા વધી છે. હાલ આ પ્રવાસીને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેની આસપાસમાં બેઠેલા મુસાફરોને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટ ને લઈને હાલ અમદાવાદ તંત્ર સજ્જ બન્યું છે. એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટ માં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાઇરિસ્ક વાળા 11 દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ થઈ રહ્યા છે.
222 પ્રવાસી યુકેથી આવ્યા: મળતી માહિતી પ્રમાણે શુક્રવારે યુકેથી 222 પ્રવાસી સીધી ફ્લાઇટ મારફતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ તંત્ર તરફથી હાઈરિસ્ક ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ જ રીતે 222 પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ જાણકારી મળી છે કે આ પ્રવાસી યુકેમાં કોરોના પોઝિટિવ થયો હતો. જે બાદમાં 1 ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવી ગયો હતો. આથી તેને પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.