બોપલ ડ્રગ્સ મામલે ચોંકાવનારો ખુલાસો: અમદાવાદની જાણીતી હોટલમાં થતી હતી ડ્રગ્સ પાર્ટી
અમદાવાદ : બોપલ ડ્રગ્સ કેસ મામલે વંદિત પટેલની પુછપરછમાં એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે. વંદિત પટેલે પ્રહલાદનગરમાં આવેલી રમાડા હોટલમાં સાત જેટલી તથા ખાનગી ફાર્મ હાઉસમાં પણ ડ્રગ્સ પાર્ટીઓ યોજી હોવાની માહિતી સામે આવી રહી છે. જેના પગલે પોલીસની વિશેષ ટીમે તપાસ શરૂ કરી છે. જેમાં રમાડા હોટલમાં તપાસ કરવાની સાથે ત્યાંથી એક વર્ષના સીસીટીવી ફુટેજ અને એન્ટ્રી રજીસ્ટરની વિગતો મંગાવી છે. આ પાર્ટીમાં શહેરના મોટા બિઝનેસમેન અને ઉચ્ચ અધિકારીઓના સંતાનો આવ્યા હોવાની માહિતી પણ પોલીસને મળી છે.
બર્થ ડે પાર્ટીના નામે ડ્રગ્સ પાર્ટીઓ કરતો હતો
બોપલ ડ્રગ્સ કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વદિત પટેલની તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પુછપરછ કરી હતી. જેમાં છેલ્લાં એક વર્ષના કોલ ડીટેઇલ, લોકેશનની તપાસ કરતા તે અવારનવાર પ્રહલાદનગર સ્થિત રમાડા હોટલ ખાતે જતો હોવાની વિગતો સામે આવતા. તે તરફ તપાસ કરવામાં આવતા મોટા ખુલાસા સામે આવ્યા છે. વંદિત અન્ય લોકોના નામે બર્થ ડે પાર્ટીના નામે બુકીંગ કરાવીને ડ્રગ્સની પાર્ટી યોજતો હતો.
ડ્રગ્સ પેડલર્સ પણ કરાવતા હતા ડ્રગ્સ પાર્ટી
આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે, આ પાર્ટીમાં શહેરના મોટા મોટા વેપારીઓ, આઇએએસ અને આઇપીએસના સંતાનો પણ આવતા હતા. તે પાર્ટી કરતા પહેલા એડવાન્સમાં ફી પણ લેતો હતો. તેમજ પાર્ટીમાં કોઇ નવું આવે તો તેને પણ ડ્રગ્સના રવાડે ચડાવતો હતો. વંદિત પટેલ સાથે સંકળાયેલા અન્ય ડ્રગ્સ પેડલર્સ દ્વારા પણ પાંચ જેટલી પાર્ટીઓ યોજવામાં આવી હતી. પોલીસને વંદિતની ડાયરી અને મોબાઇલ ફોનની વિગતો તપાસતા વધુ સાત ડ્રગ્સ પેડલર્સના નામ મળ્યા છે. જેમાં પાંચ લોકો અમદાવાદના અને અન્ય બે દક્ષિણ ગુજરાતના હોવાનું સામે આવી રહ્યુ છે.
જાણો ઘટના અંગે
16 નવેમ્બરે બોપલમાંથી ડ્રગ્સ રેકેટના થયેલા પર્દાફાશ બાદ પોલીસ તપાસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થયા છે. છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલોથી વધુનુ ડ્રગ્સ વેચ્યુ છે. આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50થી વધુ સરનામા પર 10 કરોડથી વધુની કિમંતના ડ્રગ્સની ડિલેવરી મેળવી હોવાની કબુલાત કરી છે. જેમાથી 4 કરોડના વ્યવહાર ઈથરીયમ, લાઈટકોઈન, બિટ કોઈન જેવી ક્રિસ્ટોકરન્સી મારફતે ચૂકવ્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. સાથે જ વંદિતે મંગાવેલા 27 પાર્સલમાંથી 24 પાર્સલ કસ્ટમ વિભાગે કબ્જે કર્યા હતા.