નવા વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી, નિરામય ગુજરાત સહિતની યોજનાઓની કરી જાહેરાત

ગાંધીનગરઃ નવા વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી હતી . બેઠકમાં અનેક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા . રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ નૂતન વર્ષ નિમિત્તે રાજ્યના સૌ નાગરિકોને નૂતનવર્ષાભિનંદન પાઠવતા જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી પ્રેસ માહિતી આવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૌશલ્ય વિકાસને બળ આપવા અલગ કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ રાજ્યનો શ્રમ અને રોજગાર વિભાગ હવે ‘શ્રમ, કૌશલ્ય અને રોજગાર’ વિભાગના નવા નામથી ઓળખાશે તેના માટે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
વધુ પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી ‘નિરામય ગુજરાત યોજના’ જાહેર કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૧૨ નવેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકે પાલનપુરથી, જ્યારે સવારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ મહેસાણાથી આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.