બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની
રાજકોટઃ ગુરૂવારના રોજ આર્થર રોડ જેલમાં રહેલા પોતાના પુત્ર આર્યન ખાનને મળવા શાહરુખ ખાન આર્થર જેલ ખાતે પહોંચ્યા હતા. તો બીજી તરફ બોલિવૂડની જેમ રાજકોટમાં પણ ડ્રગ્સનું દુષણ ફેલાયેલું હોવાનું કિસ્સો સામે આવ્યો છે. અંડર નાઇન્ટીન રમી ચુકેલા ક્રિકેટરની માતા મીડિયા સમક્ષ આવી હતી. મીડિયા સમક્ષ આવેલી માતાએ જણાવ્યું હતું કે તેનો પુત્ર ડ્રગસના રવાડે ચડી ચૂક્યો છે. ડ્રગ પેડલરોએ તેના દીકરાનું જીવન ધૂળધાણી કરી નાખ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજ્યના ગૃહ મંત્રી દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલાની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સોંપવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલ તેમજ પી.એસ.આઇ અસલમ અન્સારીની ટીમ દ્વારા માતાની પૂછપરછ કરવામાં આવી હતી.
પીડિત માતા પાસે સમગ્ર મામલાની હકીકત પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જાણવામાં આવી હતી. તેમજ તેમને તેમજ તેમના પુત્રને કોના દ્વારા ધમકી આપવામાં આવતી હતી તેમના પુત્ર ક્યા ક્યા શખ્સો દ્વારા ડ્રગ્સના વિષચક્રમાં ફસાવવામાં આવ્યો છે તે તમામ બાબત આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.
મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, ગત 17જુનના રોજ તેમનો દીકરો ડ્રગ્સ મામલે ફસાયો છે તે બાબતની ફરિયાદ લઇ તેઓ રાજકોટ શહેરના dcp મનોહરસિંહ જાડેજાને મળ્યા હતા. ત્યારબાદ મનોહરસિંહ જાડેજા દ્વારા તેમનો કેસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દ્વારા ફરિયાદ મળ્યાના દસ દિવસમાં એટલે કે 28મી જૂનના રોજ સુધા નામની ડ્રગસ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે મહિલાનું કહેવું છે કે આજરોજ તેનો દીકરો એક ચિઠ્ઠી મૂકી ઘરેથી જતો રહ્યો છે. ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કે મા હું તારા સપનાઓ સાકાર ના કરી શક્યો મને તો માફ કરજે. મહિલાનું કહેવું છે કે, પોલીસે હજુ માત્ર એક જ ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલી સુધા નામની મહિલાને પકડી છે પરંતુ સુધા સિવાય ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા અનેક લોકો છે.
ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મહિલાએ જલાલ, ખત્રી સહિતના નામો પણ આપ્યા છે. ત્યારે હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ તમામ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ મહિલા અને તેના પુત્રને ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા કોઈપણ ધંધાર્થી કોઇપણ પ્રકારની હાનિ પહોંચાડવામાં ન આવે તે બાબતે પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા NDPS ને લગતા 50 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જે કેસની સંખ્યા અન્ય વર્ષોની સરખામણી કરતા ખૂબ જ વધુ છે. આમ, રાજકોટ શહેર પોલીસ નશાના કારોબાર ને નાથવા માટે સતત પ્રયત્નશીલ હોય તેવું ખુદ આંકડાઓ જ બોલી રહ્યા છે.