સચિન દિક્ષિતે લીવઇન પાર્ટનર હીનાની હત્યા કઇ રીતે કરી? FSLના રિપોર્ટમાં થયો આવો ખુલાસો

ગાંધીનગર: હીના ઉર્ફે મહેંદીની હત્યાના કેસમાં એક બાદ એક નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ કેસની સૌથી મહત્ત્વપૂર્ણ કડી સામે આવી છે. મહેંદીનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સચિન દિક્ષિતે વડોદરામાં ભાડે રાખેલા ફ્લેટમાં લીવઇન પાર્ટનર હીનાની હત્યા કેવી રીતે કરી તે સ્પષ્ટ થયું છે. સચિને હીનાનું પાછળથી ગળું દબાવ્યુ હતુ. જેનો હીનાએ 3થી 4 મિનિટ પ્રતિકાર કર્યો હોય શકે છે.
હીનાના ગળા પરના નિશાને ખોલ્યું રાઝ
હીનાના ગળા પર ઇજાના નિશાન મળી આવ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હીનાના ગળા પરના નિશાન પરથી જણાય છે કે, સચીને પાછળથી હીનાનું વી શેપમાં ગળું દબાવ્યું હતુ. ગાળની બાજુના ભાગમાં દબાણ આવ્યુ હતુ. જેથી હીનાનું મોત નીપજ્યું હતુ. જ્યારે સચિને વડોદરાના ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસીસના મકાન નંબર 102માં લઇ જવામાં આવ્યો ત્યારે તેણે પણ આવી જ કબૂલાત કરી હતી. તે દરમિયાન પણ તે ભાંગી ગયો હતો.
સચિને શું કહ્યું હતું?
સચિને કબુલાત કરતા પણ જણાવ્યુ હતુ કે, મને હીના ગાંધીનગર જવાની ના પાડતી હતી. જેને લઈ અમારી વચ્ચે ઝઘડો થતાં હીનાએ મારી સાથે ઝપાઝપી કરી લાફો તથા નખ માર્યા હતા. હીના ચીસો પાડતી હોવાથી તેનું ગળું પકડી સાત મિનિટ સુધી દબાવી રાખ્યું હતું તેનું હલનચલન બંધ થતાં લાશને ચેઈનવાળી બેગમાં ભરી કીચનમાં વોશ બેસીન નીચે કબાટમાં મુકી દીધી હતી.
હત્યા બાદ બાળકને સાથે લઇ ગયો હતો
સચિને હીનાની હત્યા કરીને દસ માસના માસૂમ પુત્રને પેથાપુર નજીક આવેલી સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાં તરછોડી દેવાના કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસે રાજસ્થાન તપાસમાં જવા ઉપરાંત, વડોદરાથી ગાંધીનગર આવવા દરમિયાન તેમજ તેના બે મોબાઇલ ફોન જપ્ત કરવાના હોવાથી પોલીસે તેના 14 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી. જોકે, કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. ત્યારે પોલીસે તેને ગઇકાલે ગૌશાળા ખાતે લઇ જઇને તપાસ શરૂ કરી છે.