અમદાવાદ : ‘જો પોલીસને કહીશ તો વધુ માર પડશે’, પાડોશી મહિલા સાથેનાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
અમદાવાદ -: કયારેક સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુસ્સામાં માનવી શું કરી લે છે તેનું તેને ભાન રહેતું નથી. આવો જ એક બનાવ શહેરના નારોલ વિસ્તારમાં જોવા મળ્યો છે. બે પાડોશી મહિલાઓ વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો.
નારોલ વિસ્તારમાં રહેતા ઇમામુદ્દીન શેખ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેની પત્નીને પડોશમાં રહેતી મહિલા સાથે પાણી બાબતે ઝઘડો થયો હતો જેથી તેઓ વચ્ચે પડી ને આ ઝઘડો શાંત પડાવ્યો હતો. થોડીવાર બાદ જ્યારે ફરિયાદી ઘરની બહાર ઉભા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો હાથમાં લાકડાના દંડા લઈને આવ્યા હતા. અને ફરિયાદી ને માર મારવા લાગ્યા હતા.
જોકે, ફરિયાદીને માથાના ભાગમાં લોહી નીકળતા તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકો ભેગા થઈ જતાં આ બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. જતાં જતા તેઓએ ફરિયાદી ને ધમકી આપી હતી કે જો તે પોલીસને જાણ કરશે તો હજી પણ વધારે માર પડશે. ત્યારબાદ ફરિયાદીને સારવાર માટે એલ.જી. હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા.