સુરતનો લાલબત્તી સમાન કિસ્સો: બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માથેળી પટકાયું, બનાવ સીસીટીવીમાં કેદ
સુરત: ડાન્સ કરતાં કરતાં ભૂલથી ગળેફાંસો લાગી જવો, રમતાં રમાતાં બાલ્કનીમાંથી નીચે પડી જવા કિસ્સાઓ સુરતમાં સામે આવી ચૂક્યા છે. આ તમામ કિસ્સા માતાપિતાઓ માટે ચેતવણી સમાન છે. સુરતમાં વધુ એક આવો કિસ્સા સામે આવ્યો છે. જેમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માળેથી નીચે પટકાયું હતું. આ આખી ઘટના એપાર્ટમેન્ટ ખાતે લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગઈ છે. આ મામલે કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે આ બનાવ સુરત શહેરના કતારગામ વિસ્તારનો છે. જેમાં લક્ષ્મી રેસિડેન્સી નામના એપાર્ટમેન્ટમાંથી એક બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે પટકાયું હતું. આઠમા માળેથી નીચે પટકાતા બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હકીકતમાં આ બાળક પોતાના ફ્લેટના આગળના ભાગમાં જે પેસેજ આવેલો હતો ત્યાં રમી રહ્યું હતું. આ દરમિયાન તે પેસેજમાં લગાવવામાં આવેલી ગ્રીલમાંથી નીચે પડી ગયું હતું. બે વર્ષના બાળકનું આવી રીતે મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી હતી. બીજી તરફ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.