અમદાવાદની કોસમોસ સ્કૂલ સંચાલકનો ફી મુદ્દે દબાણ કરતો વીડિયો વાયરલ
અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી ભરવા મામલે 25 ટકા માફી આપવામાં આવી છે પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી કોસમોસ સ્કૂલના સંચાલકોએ તો હદ જ કરી નાખી. સંચાલકે વાલીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક વીડિયો અપલોડ કર્યો જેમાં ફી ભરવા મામલે સંચાલકના ધમકીના સુર જણાઈ રહ્યા છે. જેમાં સંચાલકએ વાલીઓને 10 ઓક્ટોબર સુધીમાં પ્રથમ ક્વાર્ટર ફી ભરવા જણાવાયું હતું પરંતુ તે નહિ ભરતા વાલીઓના LC તૈયાર છે જે વાલીઓને લઈ જવા જણાવ્યું છે. જોકે વિવાદ થતા સંચાલકે ફેરવી તોળ્યું હતું.
જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ અને લોકડાઉન જાહેર થયા બાદ ફી મામલો વિવાદમાં આવ્યો હતો. જે મામલે હાલમાં જ 1 ઓક્ટોબરના રોજ સરકારે સ્કૂલ ફી મામલે 25 ટકા રાહત આપી હતી. જે માટે એક ઠરાવ 7 ઓક્ટોબરના રોજ સરકારે કર્યો હતો. જોકે, 11 ઓક્ટોબરે અમદાવાદના મણિનગરમાં આવેલી કોસમોસ સ્કૂલના ટ્રસ્ટીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સ્કૂલના ટ્રસ્ટી અભિજીત હલદરનો છે. રાજ્ય સરકારે ફીમાં આપેલી રાહત અંગેના પરિપત્ર બાદ પણ ટ્રસ્ટીની અજ્ઞાનતા પ્રદર્શિત આ વાયરલ વીડિયોમાં થઈ છે.
કેટલાક ન્યૂઝપેપરના નામ અને ફી મામલે રાહત અંગે સરકારે કરેલા પરિપત્રનો ઉલ્લેખ કરી ટ્રસ્ટીએ વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, અગાઉ 10 ઓક્ટોબર સુધીમાં વાલીઓને ફી જમા કરાવવા કહ્યું હતું. સરકારના પરિપત્રનો ઉલ્લેખ કરીને ટ્રસ્ટીએ વાલીઓને કહ્યું કે, સરકારે આપેલી 25 ટકા રાહત એ જ વાલીને મળશે, જે 31 ઓક્ટોબર સુધીમાં ફી જમા કરાવશે. એટલું જ નહીં જે લોકોએ ગયા વર્ષની અને આ વર્ષની પ્રથમ સત્રની ફી નથી ભરી તેવા 70 બાળકોના LC સ્કૂલમાં તૈયાર રાખ્યા છે, જે વાલીઓએ લઈ જવા. આમ આ વીડિયોમાં સંચાલકના ધમકીના સુર જોવા મળ્યા છે. જોકે, આ મામલે વાલીઓ કેમેરામાં કશું કહેવા ડરી રહ્યા છે તેઓને ડર છે કે વાલીઓ મીડિયામાં કશું કહેશે તો સ્કૂલ સંચાલક તેમના બાળકનું LC પકડાવી દેશે.
આ અંગે અભિજીત હલદરને વીડિયો અંગે પૂછતાં તેઓ એ જણાવ્યું કે, આ અંગે અમે વાલીઓને જાણ કરી દીધી છે. જેમાં કેટલાક ન્યુઝ પેપરની વિગતને ધ્યાને લઇ મેં વીડયો બનાવ્યો હતો. અને હવે અમે નવો વીડિયો બનાવી વાલીઓને ફી માફી અંગેની સૂચના આપી છે.