ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે
અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. હવામાન વિભાગ તરફથી પહેલા જ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.
બે સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર સક્રિય થયું છે. બીજી તરફ પહેલાથી જ સોઇક્લોનિક સક્યુલેશન સક્રિય છે. આ રીતે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
24 કલાકમાં જામખંભાળિયામાં સૌથી વધારે 18 ઇંચ વરસાદ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને 12 ઇંચ વરસાદ વરસ્યો હતો.