જૂનાગઢ વકીલની હત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, પત્નીએ જ કરી હતી પતિની હત્યા
જૂનાગઢ: શહેરના મંગલધામ વિસ્તારમાં રહેતા એક વકીલ નિલેશ ડાફડાની સોમવારે સવારે તેના ઘરમાંથી ગળુ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતાં સી-ડિવીઝન પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસને વકીલના પત્ની કાજલ ડાફડા પર શંકા જતા તેની પૂછપરછ કરતા તેણીએ જ પોતાના પતિને રાત્રીના નિંદ્રાધીન હાલતમાં છરીથી ગળું કાપી હત્યા કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વકીલની લાશ લોહીલુહાણ હાલતમાં પડી હતી
જૂનાગઢના મધુરમ નજીક આવેલા મંગલધામ વિસ્તારમાં રહેતા 38 વર્ષનાં વકીલ નિલેષભાઇ દેવસીભાઇ દાફડાની સોમવારે સવારે તેના ઘરમાંથી ગળુ કાપેલી અને લોહી લોહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે સી-ડિવીઝન પોલીસને જાણ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. આમમાં તપાસ કરતા તિક્ષ્ણ હથિયારથી વકીલનું ગળું કાપી હત્યા થયાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી તેના સગા-સંબંધીની પૂછપરછ કરી હતી.
વકીલ નિલેશને દારૂ પીને ઝઘડો કરવાની આદત હતી
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, નિલેશની દારૂ પીને ઝઘડો કરવાની આદતથી પત્ની કાજલ કંટાળી ગઇ હતી. રવિવારની સાંજે નિલેશ ફરીથી દારૂ પીને પત્ની કાજલ સાથે ઝઘડો કરતો હતો. આ સહન ન થતા કાજલ તેના પતિને લઇને તેમના ઘરની નજીક રહેતા તેમના સાસરિયાના ઘરે જઇને આખી વાત જણાવી. જેથી સાસરિયાઓએ કહ્યું કે, કાજલ નિલેશના મિત્ર વિશાલને ફોન કરે, તેની જ વાત નિલેશ માને છે. એટલે કાજલે ઘરે જઇને વિશાલને ફોન કર્યો હતો.
પત્નીએ પહેલા કહ્યું નિલેશે આત્મહત્યા કરી લીધી છે
જોકે, વિશાલ અને નિલેશની થોડી વાત થયા પછી નિલેશે ઘણો જ દારૂ પીધેલો હતો એટલે તે સૂઇ ગયો. જેથી વિશાલ પણ જતો રહ્યો. પરંતુ પછી કાજલને ઊંઘ ન આવી. કાજલે નિલેશને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું. કાજલે ચપ્પુ લઇને નિલેશનું ગળું કાપી નાંખ્યું. જે બાદ કાજલ આખી રાત ઘરે જ રહી અને સવારે તેણે પોતાના સાસરિયાના ઘરે જઇને કહ્યું કે, નિલેશે આત્મહત્યા કરી છે. જેથી તેની નણંદે પોલીસને આત્મહત્યાની જાણ કરી હતી.
પત્નીએ આખરે કરી કબૂલાત
પોલીસને તપાસ કરતા વકીલની પત્ની કાજલ પર શંકા ગઇ હતી જેથી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં કાજલે જણાવ્યું કે, પતિ નિલેષ દારૂ પી અવાર નવાર માથાકુટ કરી હેરાન કરતા હતા. આ કારણથી ગત રાત્રે તેઓ ઉંઘી રહ્યા હતા તે સમયે છરીથી ગળુ કાપી હત્યા કરી હતી. કાજલની આ કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સીસીટીવી કેમેરા પણ બંધ હતો
સી-ડિવીઝન એ.એસ.આઇ. જે.જે. ગઢવીએ જણાવ્યું હતુ કે, નિલેષની હત્યા તેના પત્ની કાજલે કર્યાનું ખુલ્યુ છે. તેઓએ આ અંગે કબૂલાત આપી છે. અન્ય કોઇની સંડોવણી છે કે કેમ, તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના ઘરે સીસીટીવી કેમેરા હતા. પરંતુ તે બે-ત્રણ દિવસથી બંધ હતા.નોંધનીય છે કે, નિલેષની હત્યા અને તેના આરોપી તરીકે તેના પત્નીનું નામ સામે આવતા તેના બે સંતાનો નોધારા બન્યા છે.