गुजरात

રાજકોટ: કપડા ધોવા ગયેલી મામા-ફોઇની સગીર દીકરીઓના ડેમમાં ડૂબતા મોત, પરિવારમાં આક્રંદ

રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મામા ફોઈની બે દીકરીઓના મોત નીપજ્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર ખાંભથી આવેલી રાજલ સોમાભાઈ ધાનોયા પોતાના ફોઈના ઘરે રોકાવા આવી હતી. ત્યારે મામા ફોઈની બંને બહેનો કપડાં ધોવા માટે તળાવે ગઈ હતી. જે બાદ એક છોકરી તળાવમાં નાહવા પડી હતી ત્યારે તે ડૂબવા લાગી હતી. ફઇની પુત્રીને બચાવવા જતાં મામાની પુત્રી પણ ડૂબી હતી, જોતજોતામા બંને બહેનો તળાવમાં ડૂબી જતાં તેમના મૃત્યુ નીપજયા હતા. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

ખાંભાથી ફોઇના ઘરે રોકાવવા આવી હતી

મળતી માહિતી પ્રમાણે, માંડાડુંગર પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા ભીમાભાઇ સાપરિયાને ત્યાં ખાંભા ગીરમાં રહેતા તેમના બહેનની પુત્રી રાજલ સોમાભાઇ ધાનૈયા (ઉ.વ.13) અઠવાડિયાથી રોકાવા આવી હતી. રાજલ અને ભીમાભાઇની બે પુત્રી સુમી (ઉ.વ.16) બુધવારે બપોરે આજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં કપડાં ધોવા ગયા હતા. કપડાં ધોયા બાદ રાજલ ધાનૈયા ડેમમાં નહાવા પડી હતી, નહાતા નહાતા રાજલ ડૂબવા લાગી હતી. રાજલને ડૂબતા જોઇ તેના મામાની પુત્રી સુમીએ પણ ડેમમાં ઝંપલાવ્યું હતું, જોકે થોડીવારમાં તે પણ ડૂબવા લાગી હતી.

મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયુ

સ્થાનિકોએ બંને બહેનોને તળાવમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, બંને બહેનોના મૃતદેહ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે હૉસ્પિટલ પોલીસ ચોકી દ્વારા આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં તાત્કાલિક અસરથી આજીડેમ પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. બંને બહેનોના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા માટે પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં. તો સાથેજ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી નિવેદનો પણ નોંધ્યા હતા.

Related Articles

Back to top button