गुजरात

અમદાવાદ Hit and run: કાર ચાલક પર્વ શાહ અકસ્માત કરીને 18 કલાક કેમ રહ્યો ગાયબ? તે કયા ધંધા સાથે જોડાયેલો છે?

અમદાવાદ : અમદાવાદમાં ચકચારી હિટ એન્ડ રન કેસમાં સોમવારની રાતે પૂરપાટ ભાગતી કારે શ્રમજીવી પરિવારને છિન્નભિન્ન કરી નાંખ્યો. શહેરનાં શિવરંજની ચાર રસ્તા પાસે સોમવાપે રાત્રે 12:46 કલાકે i20 કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળતા એક મહિલાનું મોત (woman death) થયું હતું. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કાર માલિક શૈલેષ શાહનો 22 વર્ષનો પુત્ર પર્વ શાહ હંકારી રહ્યો હતો. પર્વ શાહ અને તેના ત્રણ મિત્રો અકસ્માત સર્જીને ભાગી છૂટયા હતા.

‘અમે અક્સમાત કરીને ગભરાઇ ગયા હતા’

સોમવારે રાતે અકસ્માત કરીને ભાગેલો પર્વ શાહ મંગળવારે સાંજે 4.40ની આસપાસ પોલીસ સામે હાજર થયો હતો. ત્યાં સુધી પર્વ શાહનું આખું પરિવાર ગાયબ રહ્યું હતું. ન્યૂઝ18ગુજરાતીના સંવાદદાતાઓ તેના ઘરે પણ તપાસ માટે ગયા હતા પરંતુ પરિવાર પોતાના નવરંગપુરા ખાતેનાં ઘરમાં પણ ન હતો. આખરે પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો હતો. જે બાદ તેણે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે તે મિત્રો સાથે થલતેજ ગુરુદ્વારા ચાર રસ્તા પાસે બેઠા હતા અને પછી વરસાદ પડતાં થોડા રોકાઈને મીઠાખળી સિદ્ધગિરિ ફ્લેટ સ્થિત તેમના ઘરે રવાના થયા હતા. સિંધુભવન રોડ પાસેથી વળ્યા ત્યારે તેમને લાગ્યું કે વેન્ટો કારમાં પોલીસવાળા તેમનો પીછો કરી રહ્યા છે એટલે તેમણે ગાડી દોડાવી હતી. દરમિયાન શિવરંજની પછી તેમની કારને વેન્ટોવાળાએ દબાવતા તેમણે બ્રેક મારી પણ નિયંત્રણ ન રહ્યું અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ હતી. આ બધું અચાનક બનતા અમે ગભરાઇ ગયા હતા. અમને કાંઇ ખબર ન પડી એટલે અમે ચાર લોકો ત્યાંથી ભાગ્યા હતા. ભાગતા ભાગતા એક મિત્રને લોકોનાં ટોળાએ પકડી પાડ્યો હતો અને માર પણ માર્યો હતો.

‘અકસ્માત પહેલા બે કાર વચ્ચે રેસ ચાલી રહી હતી’

જોકે આ અકસ્માતનાં પ્રત્યક્ષદર્શીનું માનીએ તો, તે જોધપુર ચાર રસ્તાથી એરપોર્ટ તરફ કાર લઈને જઈ રહ્યા હતા. જેમાં જોધપુર ચાર રસ્તા પાસેથી બે કારે પુરઝડપે તેમની કારની સાઈડ કાપી હતી. બન્ને કાર અંદાજે 120 કિ.મીની સ્પીડમાં જતી હતી. આ બંને કાર રેસ કરતી હોય તેમ લાગતું હતું. ત્યારબાદ 500 મીટર દુર શિવરંજની ચાર રસ્તા વીમાનગર પાસે એક કાર ફુટપાથ પર ચડી જતા જોઈ હતી. બાદમાં તેમણે ઘટનાસ્થળે પહોંચીને કાર નીચે ફસાયેલા પરિવારને બહાર કાઢવામાં મદદ કરી હતી. તેમણે જોયું તો કારમાંથી ચાર યુવકો દરવાજો ખોલીને ભાગી ગયા હતા.

સીસીટીવીમાં દેખાતી અન્ય કારમાં કોણ?

હવે સવાલ એ થાય કે, આરોપી તેમની પાછળ દોડતી કારને પોલીસની માને છે તો પોલીસ આ બીજી કાર કોની હતી અને તેમાં કોણ હતું તે અંગેની તપાસ કેમ નથી કરી રહ્યાં? સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, પર્વની કારની પાછળ અન્ય એક કાર પૂરપાર ઝડપે ભાગી રહી છે. તો તેમા કોણ છે તે ક્યારે સામે આવશે.

Related Articles

Back to top button