गुजरात

અમદાવાદ જગન્નાથ મંદિરની રથયાત્રા કાઢવા માટે નીતિન પટેલે કર્યો ઇશારો, જાણો શું કહ્યું તેમણે

અમદાવાદ: આજે અમદાવાદનાં જગન્નાથ મંદિરની રથયાત્રા પહેલાની મહત્ત્વની વિધિ જળયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતાં. આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રનો સાબરમતીનાં પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. હવે બપોર બાદ ભગવાન ભાઇ અને બહેન સાથે પોતાના મોસાળ જશે. આ મહોત્સવમાં નીતિન પટેલે રથયાત્રા નીકળશે તેવો અંદેશો આપતું નિવેદન પણ કરવામાં આવ્યું હતું.

‘કોરોના પ્રોટોકોલ પ્રમાણે જળયાત્રા સંપન્ન’

આ મહોત્સવ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વપ્રસિદ્ધ અમદાવાદનાં જગન્નાથજીનાં મંદિર પ્રાંગણમાં આજે અનેરો મહોત્સવ યોજાયો છે. ધાર્મિક પ્રણાલી પ્રમાણે, પૂજ્ય દિલીપદાસજીનાં વરદ હસ્તે, રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહજીની ઉપસ્થિતિમાં, મંદિરનાં ટ્ર્સ્ટી મહેન્દ્ર ઝા તથા સાધુસંતોની ઉપસ્થિતિમાં કોરોના મહામારીનાં પ્રોટોકોલ પ્રમાણે સાબરમતી નદીનાં જળનું પૂજન કરીને જળયાત્રા કાઢી ભગવાનને જળાભિષેક કરીને જળાયાત્રા સંપન્ન કરવામાં આવી છે.

મંદિરનાં પ્રાંગણમાં વેક્સિનેશન સેન્ટર શરૂ

તેમણે વધુમાં જણાવ્યું કે, આ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાતની મોટામાં મોટી ગૌશાળા ચલાવવામાં આવે છે. દરદોજ સેંકડો ગરીબો, ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવે છે, આ સાથે છાશનું પણ વિતરણ થાય છે. આ બધું મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજે અહીં વેક્સિનેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. અહીં એલોપેથી અને આયુર્વેદિક રીતે કોરોનાના દર્દીઓની સારવાર કરવાનું પણ શરૂઆત કરવામા આવ્યું છે. મને આનંદ છે કે, જગન્નાથ મંદિરનાં પ્રાંગણમાં વેક્સિનેશન સેન્ટર અને ટેલિ મેડિશીન પણ ચાલુ કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ આ કાર્યમાં મદદ કરશે.

‘નક્કી થાય તે રીતે રથયાત્રા નીકળશે’

આ ઉપરાંત તેમણે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, જળયાત્રા આજે સંપન્ન થઇ છે અને હવે આગામી રથયાત્રા માટે જે નક્કી થાય તે રીતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને તેનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારનાં સહયોગમાં રહીને કરવામાં આવશે.

Related Articles

Back to top button