ગુજરાત હાઈકોર્ટની રૂપાણી સરકારને ચીમકીઃ …… તો રાજ્યમાં લોકડાઉન લાદવું પડશે, કોરોનાની સ્થિતી બદતર થઈ રહી છે

હાઈકોર્ટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને રાજ્ય સરકાર તરફથી હાજર રહેવાનું કહી સૂચન કર્યુ હતું કે, ગુજરાતમાં ત્રણથી ચાર દિવસના લોકડાઉન કે કરફ્યૂની જરૂર છે, હાઈકોર્ટે કહ્યું કે, અમારાં આ સૂચન નિર્ણયો કરનારા સત્તાધિશો સુધી પહોંચાડવામાં આવે અને આ મુદ્દે ગંભીરતાથી તરત જ પગલાં લેવામાં આવે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે કહ્યું હતું કે, હવે તાત્કાલિક ગંભીરતાથી પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતી હાથમાં નહી રહે અને લોકડાઉન લાગુ કરવું પડશે.
હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, લોકડાઉન લાગુ કરવું પડે તેવી સ્થિતી સુધી આપણે લગભગ પહોંચી ગયા છીએ પણ સ્થિતીની ગંભીરતા સમજીને અત્યારે ત્રણથી ચાર દિવસનું લોકડાઉન કે કરફ્યૂ લાદી સ્થિતીને નિયંત્રણમાં લાવી શકાય છે. ત્રણ-ચાર દિવસ પછી લોકડાઉન ખોલી બધું સામાન્ય કરી શકાય પણ એ પહેલાં થોડાં દિવસોનો કરફ્યૂ કોરોના પર અંકુશ મેળવવામાં મદદરૂપ થઇ શકે તેમ છે.
કોર્ટે સરકારને ચીમકી આપતાં કહ્યું હતું કે, કોરોનાની સ્થિતી બદથી પણ વધુ બદતરથી થઇ રહી છે. રાજ્ય સરકારે ચાર મોટાં શહેરોમાં લાદેલા રાત્રે નવથી સવારે છ સુધીના કરફ્યૂ છતાં સ્થિતી નિયંત્રણમાં આવી રહી નથી. સ્થિતી નિયંત્રણ બહાર જઇ રહી છે. અત્યારે સરકારી અને ખાનગી ઓફિસો સહિત બધું ખુલ્લુ છે ત્યારે સ્થિતી પર કેવી રીતે કાબૂ મેળવી શકાશે એ જ અમને સમજાતું નથી.
રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે વિવિધ વિકલ્પોની ચર્ચા કરી રહી છે. ગત દિવસોમાં સરકાર લોકડાઉન લાદવાની વિચારણા કરી રહી હતી પરંતુ આ મુદ્દે ઘણાં મતમતાંતર છે તેથી ચર્ચાવિચારણા પછી નિર્ણય લેવાશે.