गुजरात

અમદાવાદ: આ તો કેવા સગા? ડૉક્ટરોએ દર્દીને વેન્ટિલેટરમાં રાખવાનું કહેતા પુત્રએ ગુસ્સે થઇને કર્યો ઝઘડો, આખરે દર્દીનું થયું મોત

અમદાવાદ: શહેરની એસ.વી.પી. હોસ્પિટલમાં એક દર્દીને 12મી માર્ચનાના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમની તબિયત વધુ લથડે તે પહેલાં તેઓને વેન્ટિલેટર ઉપર ખસેડવાની વાત ડૉક્ટરોએ દર્દીના સંબંધીઓને કરી હતી. જોકે વેન્ટિલેટરનું નામ સાંભળતા જ દર્દીના સગા આવેશમાં આવી ગયા હતા અને ડૉક્ટરને જણાવ્યું કે, તમે આવી વાત કરી જ કેમ શકો. તેમ કહી તેમની પાસે માફી માગવા માટે જીદ પકડી હતી. સારવાર દરમિયાન આ દર્દીનું મૃત્યુ થયા બાદ પોસ્ટમોર્ટમ કરાવવાની પણ ના પાડનાર આ બંને લોકોએ ફરજમાં રૂકાવટ કરતાં ડૉક્ટરે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

શહેરમાં આવેલી એસ.વી.પી. હૉસ્પિટલમાં આર.એમ.ઓ. ડૉક્ટર તરીકે કુલદીપભાઈ જોશી ફરજ બજાવે છે. 12મી માર્ચના રોજ એસ.વી.પી. હૉસ્પિટલમાં એક દર્દી ઉષા દેવી વ્યાસ કે, જેઓ રાજસ્થાનના વતની હોવાથી સારવાર કરાવવા ઇમરજન્સી વિભાગમાં દાખલ થયા હતા. ત્યારબાદ આ દર્દીની સારવાર એસ.વી.પી. હૉસ્પીટલ ખાતે ચાલુ કરવામાં આવી હતી. બાદમાં 13 માર્ચના રોજ સવારે દર્દીની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેમને શ્વાસનળીમાં નળી નાખી વેન્ટિલેટર પર મૂકવાની જરૂરિયાત હોય તેવું ઈમરજન્સી વિભાગના ડૉક્ટરને જણાતું હતું.

આ બાબત ફરજ પરના ડૉક્ટર ધાર્મિક દ્વારા સમજાવવામાં આવેલ કે, જો આ દર્દીને શ્વાસ નળીમાં નળી નાખી તાત્કાલિક વેન્ટિલેટર ઉપર નહીં લઈએ તો દર્દીનું મૃત્યુ સંભવી શકે છે. આ બાબતને દર્દીના સગા લલીતભાઈ વ્યાસે ખોટી રીતે પોતાના મનમાં ઊંધુ અર્થઘટન કરી ફરજ પરના ડૉ. ધાર્મિકને જણાવ્યું કે મારા સગા મરી જશે એવું તારાથી કહેવાય જ કેમ? તેમ જણાવી ઈમરજન્સી વિભાગના ડૉક્ટરોને તેમજ તેમના પ્રોફેસર ભાવેશભાઈ તથા અન્ય ડૉકટરોને જાહેરમાં માફી માંગે તેમ દબાણ કર્યું હતું. અને તેઓએ પોતાના દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવા દીધા ન હતા અને અવારનવાર ફરજ ઉપરના ડૉક્ટર દ્વારા સમજાવવા છતાં પણ તેઓએ તેમના માતાને વેન્ટીલેટર ઉપર રાખવા દીધા ન હતા અને રાત્રે લલિત ભાઈ વ્યાસ તથા દિનેશચંદ્ર દવે ફરજ ઉપર હાજર ડૉક્ટર સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. હૉસ્પિટલની કામગીરીમાં દખલ પણ કરવા લાગ્યા હતા અને ગેરવર્તન કર્યું હતું.

બાદમાં 14મી માર્ચના રોજ આ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.જેથી ત્યારબાદ ફરીથી લલિત વ્યાસ અને દિનેશચંદ્ર દવે બંને લોકોએ ડૉક્ટર સાથે ગેરવર્તણૂક કરી હતી અને ડૉક્ટરે તેઓને દર્દીની બીમારી અને પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. પરંતુ તેની સામે દર્દીના સગા તમામ ડૉક્ટરોને માફી માગવા દબાણ કરવા લાગ્યા હતા. ડૉક્ટરે દર્દીના સગાઓને જાણ કરી કે, એમ.એલ.સી કેસ હોવાથી પોસ્ટમોર્ટમ કરવુ પડશે. જોકે, દર્દીના સગાઓએ પી.એમ. કરવાની ના પાડી દીધી હતી અને ડૉક્ટરો માફી માગે તેવી સતત જીદ પકડી હતી.

Related Articles

Back to top button