ગાંધીજીની દાંડી યાત્રામાં જોડાવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં 15 દિવસનો તાલિમ વર્ગ શરૂ કરાયો હતો

ભારતવર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવપૂર્ણ ગાથામાં 12મી માર્ચ 1930નો દિવસ એક ઐતિહાસિક ઘટનાની તવારીખ બની રહ્યો છે. આ દિવસે મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં દાંડીકૂચનું આગવું અને યશસ્વી સ્થાન છે. મહાદેવભાઈ દેસાઈ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ” તરીકે ઓળખાવે છે તો મહાત્મા ગાંધીજીએ તેને પવિત્ર યાત્રા” તરીકે ઓળખાવી હતી. વિશ્વભરમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામો ખેલાયા હતા તે મોટે ભાગે હિંસક હતા. પરંતુ સ્વાતંત્ર્ય સેનાની જાતે દુઃખ ભોગવે, લાઠી ખાય, જેલ ભોગવે, ગોળી ખાય, પોતાની મિલકતો ફના કરે એ રીતનો મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ થયેલ મુક્તિસંગ્રામ આખી દુનિયા વિસ્મયતા અને કુતુહલતાથી નિહાળી રહી. સત્ય અને અહિંસાના માર્ગે દેશના વધુને વધુ લોકો જોડાઈ શકે તે માટે ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ પસંદ કર્યો હતો.
દાંડીકૂચને અહિંસક સત્યાગ્રહનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટીશ સરકાર દ્વારા મીઠા પર લગાવવામાં આવેલ કરને નાબુદ કરવા માટે ગાંધીજીએ અહિંસક રીતે દાંડીકૂચ 12મી માર્ચ, 1930 નાં રોજ કરી હતી. દાંડીકૂચની લડતમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા 18મી ઓક્ટોબર 1920ના રોજ સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠનું પ્રદાન અનેરું રહેલું છે. ગુજરાત વિદ્યાપીઠનો એક મુખ્ય ધ્યેય એ હતો કે, “સ્વરાજની પ્રાપ્તિ સારું ચાલતી પ્રવૃત્તિઓને અર્થે ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ તૈયાર કરવાનું” આ ધ્યેય સાથે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, વિદ્યાર્થીઓએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ઇ.સ. 1929માં લાહોર મુકામે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તે માટેની લડતની જવાબદારી ગાંધીજીને સોંપવામાં આવી. આ ઉપરાંત સત્ય અને અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર ગાંધીજીના સાથીદારોને સરકાર સામે સવિનય કાનૂનભંગ આંદોલન શરૂ કરવાનું કહેવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહના સાધન તરીકે મીઠાંની પસંદગી કરી. 12 માર્ચ 1930નો દિવસે સાબરમતી આશ્રમથી કૂચ કરી દોડી ખાતે પહોંચીને મીઠાના કાયદાનો ભંગ કરશે એમ જાહેર કરવામાં આવ્યું.
મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહના સાધન તરીકે નમક એટલા માટે પસંદ કર્યું કે, મીઠું એ દરેક માણસની રોજીંદા વપરાશની આવશ્યક વસ્તુ હતી.
બ્રિટિશ સરકારની નીતિને કારણે મીઠું મોંઘુ બન્યું હતું, અઢી આના (પંદર નવા પૈસા) મણ મળી શકે તેવું મીઠું બધાએ એક રૂપિયામાં લેવું પડતું હતું.
ભારતમાં મીઠું પકવવાનો કાયદેસર રીતે કોઈને અધિકાર ન હતો. ગરીબમાં ગરીબ હિંદીના જીવનને આ પ્રશ્ન સ્પર્શતો હતો તેથી હિન્દુસ્તાનની આમજનતાએ લડતનું સંપૂર્ણ હદયથી સ્વાગત કર્યું. અને એમાંઝંપલાવ્યું. દાંડીયાત્રા દ્વારા ગાંધીજીને લોકશક્તિ જાગૃત કરવી હતી.